મહારાષ્ટ્ર પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરતા એન્કાઉન્ટરમાં 3 મોટા નક્સલીઓને ઠાર કર્યા છે. ગઢચિરોલી જિલ્લાના કેદમારા જંગલમાં રવિવારે પોલીસ સાથે એન્કાઉન્ટરમાં દલમ કમાન્ડર સહિત 3 નક્સલવાદીને ઠાર કર્યા હતા. આ ઠાર થયેલા નક્સલીઓ પર 38 લાખ રૂપિયયાનું ઈનામ હતું.
Gadchiroli, Maharashtra | Three Naxalites were killed in an encounter with police in Manne Rajaram of Aheri tehsil. The encounter took place around 6 pm, the killed Naxalites had a reward of Rs 38 lakhs. Police have recovered the bodies of Naxalites: Sandip Patil, DIG Gadchiroli
— ANI (@ANI) April 30, 2023
આ વાતની પુષ્ટિ કરતા ગઢચિરોલીના પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું હતું કે, માહિતી મળી હતી કે ‘પેરિમીલી દલમ’ અને ‘અહેરી દલમ’ કેડમારાના જંગલ વિસ્તારમાં મન્ને રાજારામ અને પેરિમિલી સશસ્ત્ર ચોકીએ ધામા નાખ્યા છે. માહિતી બાદ પોલીસના C-60 ફોર્સના બે યુનિટને પ્રહિતાથી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા.
સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો જેના પગલે પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. એન્કાઉન્ટર બાદ ઘટનાસ્થળેથી ત્રણ નક્સલીઓના મૃતદેહો, હથિયારો અને અન્ય સામગ્રી મળી આવી છે.
પ્રાથમિક તપાસ પ્રમાણે મૃતકોમાંથી એકની ઓળખ પેરીમીલી દલમના કમાન્ડર બિટલુ મડાવી તરીકે થઈ છે જ્યારે અન્ય બેની ઓળખ પેરીમીલી દલમના વાસુ અને અહેરી દલમના શ્રીકાંત તરીકે થઈ છે. મડાવી વિદ્યાર્થી સાઈનાથ નરોટેની હત્યા તેમજ આગચંપીનાં બે બનાવોમાં મુખ્ય આરોપી હતો.
ગત મહિનાના અંતિમ સપ્તાહમાં છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો હતો જેમાં 10 જવાનો શહીદ થયા હતા. ત્યારે નક્સલવાદીઓએ રસ્તા પર 50 કિલો આરડીએક્સ છુપાવી દીધું હતું. સુરક્ષાકર્મીઓનું વાહન ત્યાંથી પસાર થતાં જ જોરદાર વિસ્ફોટ થયો હતો.