સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક(Facebook)ની પેરેન્ટ કંપની મેટા ઈન્ડિયામાં રાજીનામાનો દોર યથાવત છે. કંપનીના ઈન્ડિયા હેડ અજીત મોહને નવેમ્બરમાં રાજીનામું આપ્યા બાદ હવે અન્ય એક સિનિયર એક્ઝિક્યુટિવે રાજીનામું આપ્યું છે. મેટા ઈન્ડિયાના પાર્ટનરશીપ હેડ મનીષ ચોપરાએ 4.5 વર્ષ સુધી કંપનીમાં સેવા આપ્યા બાદ પદ પરથી રાજીનામું આપ્યું છે.
નોંધનીય છે કે મેટા ઈન્ડિયાના વડા અજીત મોહને ગયા વર્ષે રાજીનામું આપ્યા બાદ કંપનીમાં રાજીનામાના આ ચોથા મોટા સમાચાર છે. અગાઉ, પબ્લિક પોલિસીના વડા રાજીવ અગ્રવાલે પણ નવેમ્બર 2022 માં રાજીનામું આપ્યું હતું. આ સાથે વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોસે પણ ગયા વર્ષે કંપની છોડવાની જાહેરાત કરી હતી.
નોંધપાત્ર રીતે, અજીત મોહન અને રાજીવ અગ્રવાલ Meta છોડ્યા પછી Snap Inc અને Samsung સાથે જોડાયા છે. ત્યારે અભિજીત બોઝે સ્ટાર્ટઅપ શરૂ કરવાની યોજના બનાવી હતી. અજીત મોહનના રાજીનામા પછી, પાર્ટનરશિપના હેડ મનીષ ચોપરાએ જાન્યુઆરી 2023 સુધી મેટા ઈન્ડિયાના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. આ પછી, સંધ્યા દેવનાથનને મેટા ઈન્ડિયાના વડા બનાવવામાં આવ્યા.
પોતાની LinkedIn પોસ્ટમાં રાજીનામાની માહિતી શેર કરતા મનીષ ચોપડાએ કહ્યું છે કે તેઓ પરિવર્તનના આ સમયમાં મેટા ઈન્ડિયાને સંપૂર્ણ મદદ કરશે. તેણે એમ પણ લખ્યું કે હું મારી આખી ટીમનો આભાર માનું છું જેમણે અમને સમગ્ર દેશમાં અમારો બિઝનેસ વિસ્તારવામાં મદદ કરી. હવે હું મારા જીવનના નવા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યો છું. આગામી યોજના ટૂંક સમયમાં શેર કરીશ.
જણાવી દઈએ કે મનીષ ચોપરા વર્ષ 2019 માં મેટા ઇન્ડિયા (તે સમયે ફેસબુક ઇન્ડિયા) સાથે જોડાયા હતા. તેમણે 4.5 વર્ષ સુધી પાર્ટનરશિપ હેડ અને નિર્દેશક તરીકે તેમની ભૂમિકા ભજવી છે. તેઓનો ધ્યેય મેટાના તમામ પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર જોડાણ વધારવાનો હતો. નોંધનીય બાબત એ છે કે મેટા ઈન્ડિયાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા કરોડો યુઝર બેઝ છે. મેટા ઈન્ડિયામાં જોડાતા પહેલા ચોપરાએ પેટીએમ, ઓનલાઈન ફેશન બ્રાન્ડ ઝોવી, માઈક્રોસોફ્ટ અને ઓરેકલ જેવી કંપનીઓમાં કામ કર્યું છે.