એપ્રિલ મહિનો પુરો થવામાં હવે બે દિવસ જ બાકી છે. એપ્રિલ બાદ આવતા મે મહિનામાં ઘણા નિયમોમાં ફેરફાર જોવા મળશે. આ ફેરફારથી સામાન્ય નાગરિકના ખિસ્સા પર સીધી અસર પડે છે. સામાન્ય નાગરિકો માટે આ નવા નિયમોના ફેરફાર વિશેની જાણકારી હોવા ખુબ જ જરુરી છે નહિતર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
મે મહિનાની શરૂઆતથી વેપારીઓ માટે GSTમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમ મુજબ હવે 100 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 7 દિવસની અંદર ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર ટ્રાન્ઝેક્શનની રસીદ અપલોડ કરવી ફરજિયાત છે. હાલમાં જનરેશનની તારીખ અને ઇન્વૉઇસ અપલોડ કરવા માટે આવી કોઈ મર્યાદા નથી.
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે રોકાણકારો માત્ર KYC સાથે ઈ-વોલેટ દ્વારા જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે. આ નિયમ મેં મહિનાની શરૂઆતથી અમલમાં આવશે. આ પછી રોકાણકારો KYC સાથે માત્ર ઈ-વોલેટ દ્વારા જ રોકાણ કરી શકે છે.
દર મહિનાની શરૂઆતમાં સરકાર LPG, CNC અને PNGના નવા ભાવ જાહેર કરે છે. ગત મહિને સરકારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 2,028 રૂપિયા થઈ ગયો હતો. જો કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. આ સાથે CNG અને PNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે.
પંજાબ નેશનલ બેંકના ગ્રાહક માટે આ ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે તમારા બેંક ખાતામાં પૈસા નથી અને તમે ATMમાંથી પૈસા ઉપાડો છો અને ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે. તો બેંક તરફથી 10 રૂપિયા પ્લસ GST વસૂલવામાં આવશે.