મુંબઈમાં આવતીકાલ શુક્રવારથી ૬૦ વર્ષથી વધુ વય વટાવી ગયા હોય તેવા વરિષ્ઠ નાગરિકોને કોરોના સામે પૂર્વનિવારણના ઉપાય તરીકે નેસલ વેક્સિનના ડોઝ અપાશે.
મુંબઈ મહાનગર પાલિકા સંચાલિત ૨૪ વેક્સિન સેન્ટરો પર સવારે ૧૦થી સાંજના પાંચ દરમિયાન આ ડોઝ મેળવી શકાશે. આ માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
કોરોના વેક્સીનના બે ડોઝ લઈ ચૂક્યા હોય તેવા વરિષ્ઠ નાગરિકો પોતાનું ઓળખ પત્ર રજૂ કરીને આ નેસલ વેક્સિનનો ડોઝ મેળવી શકશે. ઈન્કોવેક નાક વાટે લઈ શકાય તેવી દેશની પહેલી રસી છે.
મુંબઈ મહાનગપાલિકા દ્વારા મુંબઈમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧થી કોવિડ રસીકરણનો પ્રારંભ કરાયો હતો. આ વર્ષની ૨૬મી એપ્રિલ સુધીમાં મુંબઈમાં પહેલો, બીજો અને પ્રિવેન્ટિવ ડોઝ પણ લઈ ચૂક્યા હોય તેવા લાભાર્થીઓની સંખ્યા ૨, ૨૧, ૯૬, ૯૯૫ છે.
બીએમસીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને પૂર્વ નિવારક પગલાં તરીકે નેસલ રસી આપવાનું શરુ કરવામાં આવી રહ્યું છે. કોવિશીલ્ડ કે કોવેક્સિનને બાદ કરતાં અન્ય કોઈપણ રસીના પ્રિવેન્ટિવ ડોઝ તરીકે ઈન્કોવેક અપાશે નહિ.