જમ્મુ કાશ્મીરમાં સરહદ પાર કરાવીને પાકિસ્તાન આતંકીઓ ઘુસાડી રહ્યું છે. એવામાં ભારતીય સૈન્યને વધુ મજબુત બનાવવા માટે રેલવેની મદદ લેવામાં આવશે. ઉત્તર રેલવે હવે એલઓસી સુધી ટ્રેન પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. બારામુલા-ઉરી વચ્ચે ૫૦ કિમી સુધી રેલવે લાઇન નાખવામાં આવશે. જેનુ કામ ટુંક સમયમાં રેલવે દ્વારા શરૂ કરી દેવામાં આવશે. રેલવે પાકિસ્તાન સાથેની એલઓસી સુધી ટ્રેન પહોંચાડશે. જેનાથી સૈન્યને સામાન પહોંચાડવા સહિતની મદદ મળી રહેશે.
સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે રેલવેએ આ મેગા પ્રોજેક્ટનું કામ શરૂ પણ કરી દીધુ છે. એક વખત આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયા બાદ માત્ર સ્થાનિક લોકો જ નહીં સૈન્યને પણ મદદ મળી રહેશે.
ઉત્તર રેલવે બારામુલ્લા-ઉરી લાઇન માટે એફએલએસ શરૂ કરવા અંગે વિચારી રહ્યું છે. જે માટે મંત્રાલય દ્વારા પ્રસ્તાવ મોકલવામાં આવ્યા છે. એરિયલ સર્વે અને ડીજીપીએસ લેવલિંગ તેમજ ડીઇએમના નિર્માણ જેવા આધુનિક સર્વેક્ષણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેલવે લાઇન-રસ્તાનું એન્જિનિયરિંગ સર્વેક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.
જેને પગલે બારામુલ્લાથી ઉરી સુધી એટલે કે ૫૦ કિમી સુધી રેલવે ટ્રેક વધી જશે. કેન્દ્ર સરકાર સ્થાનિક લોકોની સાથે સાથે ત્યાં તૈનાત સુરક્ષાકર્મિઓના લાભ માટે કનેક્ટિવિટી વધારવા માટે ટ્રેનો કે રોડના માધ્યમથી પાકિસ્તાન અને ચીન સાથે સરહદી ક્ષેત્રોને જોડવા માટે અનેક પહેલ કરી રહી છે.
હાલ સૈન્યએ કોઇ સામાન લાવવા લઇ જવા માટે ટ્રકોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જે દરમિયાન આતંકીઓ દ્વારા સૈન્યના ટ્રકો પર હુમલો પણ કરવામાં આવતો હોવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. એવામાં એલઓસી સુધી ટ્રેન પહોંચાડી દેવામાં આવે તો સૈન્યની મુશ્કેલીઓમાં પણ ઘણો ઘટાડો થઇ શકે છે.