PM નરેન્દ્ર મોદી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપવા માટે ચંદીગઢમાં શિરોમણિ અકાલી દળની ઓફિસ પહોંચ્યા હતા જ્યાં તેમણે પ્રકાશ સિંહ બાદલના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.
પ્રકાશ સિંહ બાદલના અંતિમ દર્શન માટે મોટા રાજકીય નેતાઓ ચંદીગઢમાં શિરોમણી અકાલી દળની ઓફિસ પહોંચ્યા જ્યાં પૂર્વ મુખ્યમંત્રીના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપવા માટે ચંદીગઢ પહોંચ્યા હતા અને તેમના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા.
જણાવી દઈએ કે અંતિમ દર્શન બાદ પ્રકાશ સિંહ બાદલના પાર્થિવ દેહને બાદલ ગામ લઈ જવામાં આવશે. શિરોમણી અકાલી દળના સંરક્ષકના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે બપોરે 1 વાગ્યે પ્રકાશ સિંહ બાદલના ગામમાં જ થશે.
બાદલના પાર્થિવ દેહના દર્શન કરવા દેશની જાણીતી હસ્તીઓ પહોંચી છે. પંજાબ સરકાર તરફથી નાણામંત્રી હરપાલ ચીમા અને શિક્ષણ મંત્રી હરજોત બેન્સ આવ્યા છે. બસપા પ્રમુખ જસબીર સિંહ ગાદી, એચએસ હંસપાલ, પૂર્વ નાણામંત્રી ઉપિંદર જીત કૌર, ભાજપના ધારાસભ્ય કેડી ભંડારી સહિત ઘણા નજીકના મિત્રો અને સંબંધીઓએ તેમની મુલાકાત લીધી અને શ્રદ્ધાંજલિ આપી.
પ્રકાશ સિંહ બાદલ 1970માં પહેલીવાર પંજાબના સીએમ બન્યા હતા. તેઓ છેલ્લે વર્ષ 2017માં આ પદ પર હતા. તેઓ શીખ-કેન્દ્રિત પક્ષ શિરોમણી અકાલી દળ (SAD)ના સંરક્ષક પણ હતા. બાદલ 12 ફેબ્રુઆરી 1997 થી 26 ફેબ્રુઆરી 2002 વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા હતા.
30 માર્ચ, 2015 ના રોજ, તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. જો કે, તેમણે ભારતીય ખેડૂતોના વિરોધને સમર્થન આપવા માટે 3 ડિસેમ્બર 2020 ના રોજ સન્માન પરત કર્યું.
તેઓ શિરોમણી અકાલી દળ તરફથી 1957માં પ્રથમ વખત પંજાબ વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ 1969 માં ફરીથી ચૂંટાયા અને તત્કાલીન પંજાબ સરકારમાં સમુદાય વિકાસ, પંચાયતી રાજ, પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રી પદ સંભાળ્યું. બાદલ કુલ 10 વખત વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ 1972, 1980 અને 2002માં વિપક્ષના નેતા હતા.