વધી રહેલી વૈશ્વિક નાણાંકીય અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ફોરેકસ રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે. નાણાં વર્ષ ૨૦૨૦ના અંતે દેશના ફોરેકસ રિઝર્વમાં સોનાનો હિસ્સો જે ૬ ટકા હતો તે ગયા નાણાં વર્ષના અંતે વધી ૭.૮૫ ટકા રહ્યાનું રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ પણ ગોલ્ડ રિઝર્વમાં વધારા માટે એક કારણ રહ્યું છે. ૧૯૬૭ બાદ ૨૦૨૨માં કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની સૌથી વધુ ખરીદી જોવા મળી છે.
વર્તમાન વર્ષના ફેબુ્રઆરીના અંતે રિઝર્વ બેન્ક પાસે કુલ ૭૯૦.૨૦ ટન સોનું હતું જે વૈશ્વિક ગોલ્ડ રિઝર્વના આઠ ટકા જેટલું રહ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૦ના અંતે રિઝર્વ ગોલ્ડનું મૂલ્ય જે રૂપિયા ૨.૦૯ લાખ કરોડ હતું તે ગયા નાણાં વર્ષના અંતે વધી રૂપિયા ૩.૭૫ લાખ કરોડ (૪૫.૪૮ અબજ ડોલર) રહ્યું હતું. માર્ચના અંતે દેશના ફોરેકસ રિઝર્વનો આંક ૫૭૮.૭૮ અબજ ડોલર રહ્યું હતું.
કોરોનાના કાળ બાદ માત્ર આરબીઆઈએ જ નહીં પરંતુ અન્ય દેશોની કેન્દ્રીય બેન્કોએ પણ ગોલ્ડની ખરીદી વધારી હતી. વ્યાજ દરમાં વધારા તથા ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી સેફ હેવન તરીકે સોનાનું રિઝર્વ વધારવાનો વ્યૂહ અપનાવાયો હતો.
તાજેતરમાં આવેલા એક અહેવાલ પ્રમાણે ૨૦૨૨માં વિવિધ કેન્દ્રીય બેન્કોએ તેમના ગોલ્ડ રિઝર્વમાં ૧૧૩૬ ટન્સ સોનાનો ઉમેરો કર્યો હતો જેનું મૂલ્ય અંદાજે રૂપિયા ૭૦ અબજ ડોલર જેટલું થવા જતું હતું.
વૈશ્વિક નાણાંકીય અનિશ્ચિતતા વચ્ચે સોનું લિક્વિડ એસેટસ તરીકે મોટી ભૂમિકા ભજવી શકે છે.
નાણાંકીય કટોકટીના સમયે સોના જેવી નીચા જોખમ સાથેની એસેટસમાં રોકાણ કરાતું હોય છે. કોરોના અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધે ફુગાવા તથા વ્યાજ દરમાં વધારો કરાવ્યો છે, જેને પરિણામે સોનાની ખરીદીમાં વધારો થયો હતો. નાણાં વર્ષ ૨૦૨૩માં સોનાના રોકાણ પર ૧૫ ટકાથી વધુનું વળતર છૂટયું હતું.