રાજસ્થાનમાં જય સંઘર્ષ યાત્રા સમાપ્ત થયા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે ફરી ગેહલોત સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. સચિન પાયલોટે જાહેરમાં સરકાર વિરુદ્ધ બગાવતી વલણ બતાવી મોટી જાહેરાત કરી છે. આજે જન સંઘર્ષ યાત્રાની પૂર્ણાહુતી પર રાજધાની જયપુરમાં જનસભા યોજાઈ હતી, જેમાં પાયલોટે ગેહલોત સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપી ખુલ્લી ચેતવણી આપી છે. પાયલોટે કહ્યું કે, જો સરકાર પેપર લીકથી અસરગ્રસ્ત ઉમેદવારોને વળતર નહીં આપે અને વસુંધરા સરકારમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ નહીં કરાવે તો તેઓ આખા રાજ્યમાં સરકાર વિરુદ્ધ આંદોલન કરશે. ઉપરાંત પાયલોટે RPSCની વર્તમાન વ્યવસ્થાને ભંગ કરવાની પણ માંગ કરી છે.
જન સંઘર્ષ યાત્રામાં આવતા લોકોને રોકવામાં આવ્યા : પાયલોટ
જનસભામાં પાયલોટે કહ્યું કે, હું મલાઈ ખાનારાઓની ધમકીથી ડરવાનો નથી. પ્રદેશ માટે હું તમામ પ્રકારની કુરબાની આપવા તૈયાર છું. પાયલોટે આક્ષેપ કરતા કહ્યું કે, તેમની યાત્રામાં આવતા લોકોને રોકવામાં આવ્યા… જોકે હું ડરવાનો અને દબાવાનો નથી… તેમણે કહ્યું કે, યાત્રાને ખુબ જ સમર્થન મળ્યું… મારી યાત્રાથી ઘણા લોકો ગભરાઈ ગયા… મારા પરિવારને રાજકારણમાં 45 વર્ષ થઈ ગયા… પરંતુ મારા પર મારો ખરાબ વિરોધી પણ આંગળી ઉઠાવી શકતો નથી…
સાડા ચાર વર્ષ છતાં વસુંધરા સરકાર સામે તપાસ ન કરાઈ : પાયલોટ
પાયલોટે કહ્યું, જ્યારે રાજસ્થાનમાં 2013માં અમારી સરકાર હટી… ત્યારે કોંગ્રેસને માત્ર 21 બેઠકો મળી હતી… ત્યારે મને અધ્યક્ષ બનાવાયો… અમે વર્ષ 2018 સુધી ખુબ જ સંઘર્ષ કર્યો… તમામ નેતાઓએ વસુંધરા રાજે સરકાર પર આક્ષેપો કર્યા… ત્યારબાદ અમારી સરકાર બની… પરંતુ સાડા ચાર વર્ષ થવા છતાં વસુંધરા સરકાર પર લગાવાયેલા આક્ષેપોની તપાસ ન કરવામાં આવી… મેં ખુબ પત્રો લખ્યા… એક દિવસનો ઉપવાસ પણ કર્યો, પરંતુ કંઈ ન થયું… ત્યારબાદ મેં વિચાર્યું કે, આ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને પ્રજા વચ્ચે જવું પડશે…
સચિન પાયલોટે 125 કિમીની સફર પૂરી કરી
ઉલ્લેખનિય છે કે, વસુંધરા રાજે સરકાર પર લગાવાયેલા ભ્રષ્ટાચારના આરોપોને સાડા ચાર વર્ષ થવા છતાં તપાસ કરવામાં ન આવતા સચિન પાયલોટે રાજ્યમાં જન સંઘર્ષ યાત્રા યોજી હતી. 5 દિવસની યાત્રા દરમિયાન સચિન પાયલોટે કુલ 125 કિલોમીટરની સફર પૂરી કરી. તેમની સાથે યુવાઓની પણ ફોજ જોવા મળી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા…