ભારતીય રેલવેના ઉપક્રમ રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરે રોકાણકારોને રાતોરાત માલામાલ બનાવી દીધા છે. છેલ્લા એક મહિનામાં શેરે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. એક મહિનામાં શેરમાં 62 ટકાનો ઉછાળો આવ્યો છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં રેલ વિકાસ નિગમનો શેર પ્રથમ વખત 20 ટકાના ઉછાળા સાથે 100ના સ્તરને પાર કરીને રૂપિયા 105.30 પર બંધ થયો હતો. મંગળવારે શેર રૂપિયા 88.70 પર ખુલ્યો હતો. જેવા સમાચાર આવ્યા કે કંપનીના 12 ટકા અથવા 25.1 કરોડ શેરનું ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ થયું છે તે પછી શેર રોકેટ બની ગયો હતો. જો કે, કયા રોકાણકારે શેર વેચ્યા છે અને કોણે ખરીદ્યા છે તે જાણી શકાયું નથી. આજના કારોબારના અંતે શેર 20 ટકાના વધારા સાથે રૂ.105.30 પર બંધ રહ્યો હતો.
એક વર્ષ પહેલા રેલ વિકાસ નિગમ લિમિટેડનો શેર રૂ.30ની આસપાસ ટ્રેડ થતો હતો. શેરે એક વર્ષમાં 200%, 6 મહિનામાં 165%, એક મહિનામાં 62% અને એક અઠવાડિયામાં 40% વળતર આપ્યું છે. તે જ સમયે, શેરે ત્રણ વર્ષમાં 500 ટકા અને બે વર્ષમાં 300 ટકા વળતર આપ્યું છે. એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં રેલ વિકાસ નિગમના શેરે તેના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. હાલના સમયમાં રેલ્વે સેક્ટર સાથે જોડાયેલા ઘણા શેરોમાં તેજી જોવા મળી રહી છે.
રેલ વિકાસ નિગમ લિમિટેડ એ ભારતીય રેલ્વેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે જે વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. તાજેતરમાં કંપનીએ 200 વંદે ભારત ટ્રેનો બનાવવા માટે રશિયન કંપની સાથે બોલી લગાવી છે અને બંને કંપનીઓએ સૌથી ઓછી બોલી કરી છે. સિમેન્સ સાથે મળીને કંપનીએ મુંબઈ મેટ્રો માટે પણ બિડ કરી છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ અન્ય દેશોમાં પણ રેલ પ્રોજેક્ટ માટે બોલી લગાવી રહી છે.