દરરોજ હજારો ભક્તોના વણથંભ્યા પ્રવાહથી ધમધમતા શિર્ડીના સાઈબાબાના મંદિરમાં સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ)ની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના નિર્ણયના વિરોધમાં શિર્ડીના ગામજનોએ પહેલી મેથી બેમુદત બંધનું એલાન કર્યું છે.
અત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો મંદિરની સલામતીને લગતી ફરજ બજાવે છે તેમણે સીઆઈએસએફ ગોઠવાયા બાદ નોકરી ગુમાવવી પડે એવી શક્યતા છે. બીજું ભવિષ્યમાં સ્થાનિક યુવનોને મંદિરમાં સુરક્ષા રક્ષક તરીકે જોડાવાની તક પણ ઝૂંટવાઈ જશે.
સીઆઇએસએફના વિરોધમાં ગઈ કાલે શિર્ડીમાં સર્વપક્ષી મીટિંગ યોજાઈ હતી જેમાં પહેલી મેના રોજ મહારાષ્ટ્ર દિનથી બેમુદ્દત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે બંધ દરમિયાન સાઈ મંદિર ખુલ્લું રહેશે અને દર્શન તેમ જ ભોજન વ્યવસ્થા યથાવત ચાલું રહેશે.
જોકે શિર્ડીના ગામવાસીઓએ બંધનું એલાન કર્યું હોવાથી બહારગામથી આવતા ભક્તોએ પરિવહન અને અન્ય સુવિધાઓથી વંચિત રહેવું પડે એવી શક્યતા છે.
પહેલી મેના રોજ સાંજે પાંચ વાગ્યે શિર્ડી સાઈ મંદિરની સામે ગામસભા યોજાશે જેમાં સરકારને અપીલ કરવામાં આવશે કે સીઆઇએસએફ સુરક્ષા વ્યવસ્થાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે.