કર્ણાટકમાં કોંગ્રેસે ૧૩૫ બેઠકો પર અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે અને નેતાઓ તેમજ કાર્યકરોએ શનિવારે આ વિજયની ભવ્ય ઊજવણી કરી હતી, પરંતુ હવે કોંગ્રેસ માટે નવા મુખ્યમંત્રીની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. ચૂંટણી વિજયના બીજા દિવસથી જ પક્ષમાં સીએમપદ માટે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે રવિવારે સાંજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી, પરંતુ બેઠકમાં માત્ર એટલો જ નિર્ણય લઈ શકાયો કે મુખ્યમંત્રીની જાહેરાત પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કરશે અને નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ ગુરુવારે યોજાઈ શકે છે.
કર્ણાટકના આગામી મુખ્યમંત્રીની પસંદગી માટે બેંગ્લુરુમાં યોજાયેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક રવિવારે સાંજે પૂરી થઈ હતી. આ બેઠકમાં બધા જ ધારાસભ્યોએ સર્વસંમતીથી એક પ્રસ્તાવ પાસ કર્યો કે પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જ આગામી મુખ્યમંત્રીના નામની પસંદગી કરશે. સીએલપીની બેઠકમાં મુખ્યમંત્રીની પસંદગી અંગે કોઈ નિર્ણય લેવાઈ શક્યો નહોતો. જોકે, કોંગ્રેસના ચૂંટણી જીતનારા ૧૩૫ ધારાસભ્યોમાંથી ૬૮નો ડીકે શિવકુમારને જ્યારે ૫૯ ધારાસભ્યોનો સિદ્ધારમૈયાને ટેકો હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.
મુખ્યમંત્રી માટેના અન્ય દાવેદારોમાં લિંગાયત સમાજમાંથી એમબી પાટિલ અને દલિત નેતા જી. પરમેશ્વરનો સમાવેશ થાય છે. જી. પરમેશ્વરને પણ આઠ ધારાસભ્યોનું સમર્થન હોવાનું સૂત્રોનું કહેવું છે. બેંગ્લુરુની ખાનગી હોટેલમાં સાંજે ૫.૩૦ કલાકે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. એકબાજુ હોટેલની અંદર બેઠક ચાલી રહી હતી, બીજીબાજુ શિવકુમાર અને સિદ્ધારમૈયાના સમર્થકો તેમના નેતાની તરફેણમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ સિવાય બંને નેતાઓના સમર્થકો વચ્ચે રવિવારે પોસ્ટર વોર ફાટી નીકળી હતી. સિદ્ધારમૈયાના સમર્થકોએ બેંગ્લુરુમાં તેમના ઘરની બહાર પોસ્ટર લગાવ્યું, ‘કર્ણાટકના નવા મુખ્યમંત્રી’. બીજીબાજુ ડીકે શિવકુમારના સમર્થકોએ તેમના ઘરની બહાર પોસ્ટર લગાવ્યું, ‘કર્ણાટકના નવા મુખ્યમંત્રીને જન્મદિનની શુભેચ્છા.’
વધુમાં કર્ણાટકના વોક્કાલિગા સમાજે તેમના સૌથી મોટા નેતા ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની ભલામણ કરી છે. શિવકુમારનું જૂથ નાયબ મુખ્યમંત્રીપદ માટે સમજૂતીના મૂડમાં નથી. સિદ્ધારમૈયા તેમની લોકપ્રિયતા અને સામાજિક જનાધારના કારણે સીએમપદની રેસમાં આગળ છે. સૂત્રોએ ઉમેર્યું કે, સીએલપીની બેઠક પછી હવે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સોમવારે દિલ્હી જશે અને ખડગે સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રીનું નામ પસંદ કરવામાં હાઈકમાન્ડને બેથી ત્રણ દિવસનો સમય લાગશે તેમ સૂત્રોનું કહેવું છે.
શિવકુમાર માટે કોંગ્રેસ પર દબાણ કરવા આદિચુનચુનગિરિ સ્વામી અને વોક્કાલિગા સંઘના સભ્યો સહિત વિવિધ વોક્કાલિગા સંતોએ પણ રવિવારે એક બેઠક કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ડીકે શિવકુમારને લિંગાયત સમાજનું પણ સમર્થન છે. કર્ણાટકમાં લિંગાયત પછી બીજા સૌથી પ્રભાવશાળી સમાજના સૂત્રોનું કહેવું છે કે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી તરીકે જોવા માટે જ તેમણે ૨૫ વર્ષ પછી સામુહિકરૂપે કોંગ્રેસને મત આપ્યા છે.
અગાઉ એઆઈસીસીના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકોએ વિદાય લઈ રહેલી વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમાર સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસ પ્રમુખ ખડગેએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશિલકુમાર શિંદે, એઆઈસીસીના મહાસચિવ જિતેન્દ્રસિંહ અને એઆઈસીસીના પૂર્વ મહાસચિવ દીપક બાબરીયાની સીએલપી નેતા એટલે કે મુખ્યમંત્રીની ચૂંટણી માટે નિરીક્ષકો તરીકે નિમણૂક કરી હતી.
કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનમાં બે કદાવર નેતાઓ વચ્ચેની લડાઈમાંથી બોધપાઠ લઈને હાઈકમાન્ડ કર્ણાટકમાં બે કદાવર નેતાઓ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાને અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રી બનાવવા માટે સમજૂતી કરે તેવી સંભાવના છે.
અનેક વાર સિદ્ધારમૈયાની પડખે ઊભો રહ્યો છું : શિવકુમાર
કેટલાક લોકો માને છે કે મારાં અને સિદ્ધારમૈયા વચ્ચે મતભેદ છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારી વચ્ચે કોઇ મતભેદ નથી.
હું અનેક વાર પક્ષ માટે બલિદાન આપી સિદ્ધારમૈયાજીની સાથે ઊભો રહ્યો છું. મેં એમને સહકાર આપ્યો છે, એમ શિવકુમારે કહ્યું.