કુસ્તીબાજોની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભારતીય કુસ્તી સંઘના વડા બ્રિજ ભૂષણ સિંહ પર કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર મહિલા સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘ખેલાડીઓએ હાઈકોર્ટ અથવા નીચલી કોર્ટમાં જવું જોઈએ’. સુપ્રીમ કોર્ટે કુસ્તીબાજોનો કેસ બંધ કરી દીધો છે. આ સમગ્ર મામલે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.
ધરણા પર બેઠેલી મહિલા રેસલરોને મોટો ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે કુસ્તીબાજો તરફથી એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. હવે પોલીસે આ મામલે બે એફઆઈઆર નોંધી છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની બેંચે કહ્યું કે અરજીનો હેતુ FIRને લઈને હતો જે નોંધવામાં આવી છે. આ મામલો હવે મેજિસ્ટ્રેટ સમક્ષ છે અને જો કોઈ મુદ્દો હોય તો હાઈકોર્ટમાં જવાની સ્વતંત્રતા છે. આજની સુનાવણી દરમિયાન ભારત સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મહિલા કુસ્તીબાજોની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલા વિશે માહિતી આપી હતી. આ સાથે જ કોર્ટે આરોપીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.
તુષાર મહેતાએ જણાવ્યું હતું કે વિરોધ સ્થળ પર કુસ્તીબાજો માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જંતર-મંતર પર ત્રણ સશસ્ત્ર પોલીસકર્મીઓ તેમની સુરક્ષા માટે તૈનાત છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું કે એફઆઈઆર નોંધ્યા બાદ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી? પ્રશ્નનો જવાબ આપતા મહેતાએ કહ્યું કે તપાસ ચાલી રહી છે.
બ્રિજભૂષણના વકીલે કહ્યું- કોઈ કેસ બનતો નથી
બીજી તરફ બ્રિજ ભૂષણ વતી એડવોકેટ હરીશ સાલ્વે કોર્ટમાં હાજર થયા હતા. પોતાની દલીલો આપતા સાલ્વેએ કહ્યું કે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સામે કોઈ કેસ કરવામાં આવતો નથી. કેસની સુનાવણી દરમિયાન અમારી બાજુ પણ સાંભળવામાં આવી ન હતી. એકસપાર્ટી ઓર્ડર આપવામાં આવ્યો હતો.
છેલ્લી સુનાવણીમાં, સરકારને સાંસદ બ્રજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનું કહેવામાં આવ્યું હતું અને તે પછી બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ કરી રહી છે.