કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવતીકાલે કર્ણાટકના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમની રેસમાં સિદ્ધારમૈયા સૌથી આગળ છે અને તેઓ મુખ્યમંત્રી બનશે તે લગભગ નિશ્ચિત છે. બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ તેમની નારાજગી દૂર કરવા માટે સીએમ પદના બીજા દાવેદાર ડીકે કુમારને મળશે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામો 13 મેના રોજ આવ્યુ હતું. કોંગ્રેસે ચૂંટણીમાં બહુમત સાથે મોટી જીત મેળવી અને ભાજપને સત્તા પરથી હટાવી દીધી હતી. કોંગ્રેસે ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો ન હતો. આ સ્થિતિમાં ચૂંટણી બાદ પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે સીએમ પદ માટે દાવો કર્યો હતો. આ પછી હાઈકમાન્ડે બંને નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. ચાર દિવસના મંથન અને વાટાઘાટોના અનેક રાઉન્ડ બાદ પણ નામ પર કોઈ સહમતિ બની શકી નથી.
સીએમની રેસમાં સિદ્ધારમૈયા સૌથી આગળ
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સિદ્ધારમૈયાએ હવે સીએમની રેસમાં ડીકે શિવકુમારને પાછળ છોડી દીધા છે. તેઓ સીએમ બનશે તે લગભગ નિશ્ચિત છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવતી કાલે તેમના નામની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે શિવકુમારને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પરંતુ પાર્ટી હાઈકમાન્ડ તેમની સાથે વાત કરીને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરશે. એટલું જ નહીં, તેમની નારાજગી દૂર કરવા માટે પાર્ટી નવી સરકારમાં મહત્વપૂર્ણ મંત્રાલય પણ આપી શકે છે.
ડીકે શિવકુમારે સિદ્ધારમૈયાની ખામીઓ ગણાવી હતી
આ પહેલા ડીકે શિવકુમાર મંગળવારે મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પાર્ટી નેતૃત્વને સિદ્ધારમૈયાની ખામીઓ દર્શાવી હતી. સૂત્રો અનુસાર શિવકુમારે ખડગેને કહ્યું હતું કે સિદ્ધારમૈયાનો અગાઉનો કાર્યકાળ સારો રહ્યો ન હતો. લિંગાયત સમુદાય પણ તેમની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, જો સિદ્ધારમૈયાને પહેલા જ સીએમ બનાવી દેવામાં આવ્યા છે તો હવે શા માટે અન્ય કોઈને તક ન મળે. શિવકુમારે ખડગેને કહ્યું હતું કે 2019માં ગઠબંધન તૂટવાનું કારણ પણ સિદ્ધારમૈયા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, મારો મુખ્યમંત્રી બનવાનો સમય આવી ગયો છે અને હાઈકમાન્ડે મને તક આપવી જોઈએ. મેં 2019 પછી પાર્ટીને પુનર્જીવિત કરી. જો પાર્ટી મને મુખ્યમંત્રી પદ આપશે તો હું પ્રદેશ પ્રમુખ તરીકેની જેમ જવાબદારી નિભાવીશ નહીં તો હું માત્ર ધારાસભ્ય રહીશ.