કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારમાં કેબિનેટ મંત્રી એન ચેલુવરાય સ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસનું પાંચ-ગેરંટીઓનું (5G) વચન ચૂંટણીમાં એક દાવ માત્ર હતો. સ્વામીએ કહ્યું કે અમને ચૂંટણી જીતવા માટે લોકપ્રિયતાની જરૂર હતી, ભલે અમે તે સ્વીકારીએ કે ન સ્વીકારીએ. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજ માટે કંઈક કરવાની ઊર્જા મેળવવા માટે આવી યુક્તિઓ અનિવાર્ય હોય છે. તેમણે કહ્યું કે અમને ક્યાંકને ક્યાંક સત્તા મળે તે જરૂરી બની ગયું છે. જ્યાં સુધી અમે સત્તામાં નહીં આવીએ ત્યાં સુધી અમે લોકો માટે કંઈ કરી શકીશું નહીં.
સ્વામીએ કબૂલ્યું કે ‘મફતની રેવડી’ દેશના હિત માટે નુકસાનકારક છે અને કોંગ્રેસ પાર્ટી તે દિશામાં આગળ વધી રહી છે. અમે આ અંગે પણ ચર્ચા કરી છે. આ ખોટું છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ આ પાંચ ગેરંટીઓ લાગુ કરવાનું વચન આપ્યું હતું. જ્યારે કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ દ્વારા લોકોને આપવામાં આવેલી બાંયધરી “મફતની રેવડી” નહોતી. આ યોજનાઓનો હેતુ સમાજના ગરીબ અને દલિત વર્ગને સશક્ત બનાવવાનો હતો. અહીં જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા પરમેશ્વરાએ કહ્યું કે ખૂબ જ કાળજીપૂર્વક અને સંપૂર્ણ જવાબદારી સાથે અભ્યાસ કર્યા પછી વચન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે, જે ગરીબો અને મધ્યમ વર્ગના કલ્યાણ માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે લોકોએ કોંગ્રેસને મોટી સંખ્યામાં મત આપ્યા છે અને તેમના વિશ્વાસની રક્ષા થવી જોઈએ. પરમેશ્વરાએ જણાવ્યું હતું કે બજેટમાં જરૂરી ભંડોળની ફાળવણી કર્યા પછી સરકાર આ કાર્યક્રમોને અમલમાં મૂકવા માટે એક પ્રણાલી અમલમાં લાવવાની છે.