છેવટે નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી દીધું છે. આમ તો ચોમાસું તેના નિયત સમયથી એક સપ્તાહ વિલંબથી બેસ્યું છે. પરંતુ તે આખા સીઝનમાં સામાન્ય રહેશે તેમ ભારતીય હવામાન વિભાગનું કહેવું છે. વાવાઝોડા ‘બિપરજોય’ની અસરને કારણે ચોમાસું અટકી ગયું હોવાનું અગાઉ હવામાનશાસ્ત્રીઓનું કહેવું હતું. જોકે તે કેરળના માથેથી હટી જતાં ચોમાસું પ્રવેશ્યું છે.
હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે ‘દક્ષિણ-પશ્ચિમના ચોમાસાએ 8 જૂનના રોજો કેરળમાં એન્ટ્રી મારી દીધી છે. હવે તે આરબ સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. જેને કારણે ટૂંકમાં જ લક્ષદ્વીપ વિસ્તાર, કેરળના મોટાભાગના વિસ્તારો, તમિલનાડુના અનેક વિસ્તારો પશ્ચિમ બંગાળના અનેક ભાગોને આવરી લેશે. દક્ષિણ-પશ્ચિમના અનેક ભાગોમાં આગામી દિવસોમાં ચોમાસું બેસી જશે.’
સામાન્યપણે ચોમાસું કેરળમાં પહેલી જૂને પહોંચી જતું હોય છે. જોકે તેમાં સાત દિવસનો ફેરફાર થતો હોય છે. આ વખતે એવું જ બન્યું છે. તે એક સપ્તાહ મોડું બેસ્યું છે. અગાઉ હવામાન વિભાગે ચોથી જૂન સુધીમાં કેરળમાં ચોમાસું આવી પહોંચશે તેવી આગાહી કરી હતી. સ્કાયમેટે પણ ત્રણ દિવસના ફેરફાર સાથે સાતમી જૂને કેરળમાં ચોમાસું આવી જશે તેવી આગાહી કરી હતી.
છેલ્લાં 150 વર્ષથી કેરળમાં ચોમાસું બેસવાની તારીખ મોટાભાગે અલગ-અલગ રહી છે. 1918માં ચોમાસું બેસવાની સૌથી વહેલી તારીખ 1918માં 11 મે રહી હતી. એ પછી સૌથી મોડી તારીખ 1972માં 18 જૂન હતી તેમ હવામાન વિભાગના આંકડાકીય માહિતીમાં જણાવાયું છે.