મહારાષ્ટ્રના નાશિક પાસે આવેલાં દેશનાં ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક ત્ર્યંબકેશ્વર મંદિર ખાતે વિધર્મીઓ દ્વારા પ્રવેશના પ્રયાસ અંગે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચનાની જાહેરાત કરવામાં આવી છે. આ એસઆઈટી માત્ર ગત શનિવાર જ નહિ પરંતુ ગયાં વર્ષે પણ થયેલા આ પ્રકારના પ્રયાસ અંગે પણ તપાસ કરશે. પોલીસે શરુઆતમાં આ બનાવ ગેરસમજના કારણે બન્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, રાજ્ય સરકારની સૂચના બાદ આ બનાવ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ અંગે તડાફડી બાદ કેટલાક યુવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી.
ત્ર્યંબકેશ્વરમાં ગત શનિવારે એક ઝૂલૂસ મંદિર પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ મંદિરના ઉત્તર તરફના દરવાજેથી અંદર પ્રવેશવાની કોશીશ કરી હોવાનું કહેવાય છે. સલામતી જવાનોએ તેમને અટકાવ્યા હતા. આ લોકો મંદિરમાં અંદર ચાદર ચઢાવવા તથા લોબાન ધરવા ઈચ્છતા હોવાનું કહેવાય છે. જોકે, મંદિરના પુરોહિતોએ સાફ જણાવ્યું હતું કે મંદિરમાં વિધર્મીઓને પ્રવેશ અપાતો નથી. આ મુદ્દે બોલાચાલી પણ થઈ હતી. આશરે અડધા કલાક સુધી તડાફડી ચાલી હતી. આ ઘટના ને પગલે મંદિરની કમિટીએ પોલીસને જાણ કરી હતી.
કેટલાક અહેવાલો અનુસાર મંદિર કમિટીની ફરિયાદ બાદ પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી. અન્ય કેટલાકની શોધખોળ હાથ ધરાઈ છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને સમુદાયોના અગ્રણીઓની બેઠક યોજી હતી અને શાંતિ જળવાય તેવા પ્રયાસો કર્યા હતા.
દરમિયાન નાશિક રુરલના એસપી શાહાજી રુમાપે આ સમગ્ર ઘટના ગેરસમજના કારણે સર્જાઈ હોવાનો દાવો કર્યો હતો. ઉમપે સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અન્ય ધર્મના કેટલાક લોકો તેમનું ઝૂલુસ મંદિર પાસેથી પસાર થઈ રહ્યું હતુ ંત્યારે મંદિરની અંદર જવા માગતા હતા. પોલીસ સાથેની વાતચીતમાં આ યુવકોએ જણાવ્યું હતું કે તેઓ હવે પછી મંદિરમાં જવાનો પ્રયાસ નહીં કરે. સમગ્ર ઘટના કોઈ ગેરસમજના કારણે બની હોવાનું પ્રાથમિક રીતે જણાય છે.
આ સમગ્ર બનાવ અંગે કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયર લ થયા હતા. તેને પગલે રાજ્યભરમાં ભારે આક્રોશ ફેલાતાં હવે મહારાષ્ટ્ર સરકારે સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચનાની જાહેરાત કરી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તથા ગૃહ મંત્રાલયનો પણ હવાલો ધરાવતા દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું હતું કે આ એસઆઈટીનું નેત્તૃત્વ એડીજી રેન્કના અધિકારીને સોંપાશે. તેઓ તાજેતરના બનાવ જ નહિ પરંતુ ગયાં વર્ષે પણ આ જ પ્રકારના બનાવ બન્યાની ફરિયાદ વિશે પણ તપાસ કરશે.
બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે પરંતુ સામાજિક શાંતિ જળવાય તે માટે વિવિધ સમુદાયોએ પણ પહેલ કરવી જોઈએ.
નાશિક રેન્જના આઈજી બીજી શેખરે મીડિયાને જણાવ્યું હતું કે ત્ર્યંબકેશ્વરમાં હાલ સંપૂર્ણ શાંતિ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા સર્જાઈ નથી. નિયમો અનુસાર તપાસ હાથ ધરાશે અને તે અનુસાર પગલાં પણ ભરાશે.
ત્ર્યંબકેશ્વરના લઘુમતી સમાજનો દાવો.
મંદિરના પ્રવેશદ્વાર પરથી લોબાન ધરવાનો રિવાજ લાંબા સમયથી
ત્ર્યંબકેશ્વરમાં કેટલાક વિધર્મી યુવકોએ ઘૂસવાનો પ્રયાસ કર્યો હોવાના વિવાદ અંગે કેટલાક સ્થાનિક લઘુમતી અગ્રણીઓએ એવો દાવો કર્યો છે કે મંદિરમાં દરવાજા પાસેથી જ લોબાન ધરવાનો રિવાજ લાંબા સમયથી છે. વર્ષોથી આ પરંપરા રહી છે. આ વખતે વિવાદ કેમ થયો તે સમજાતું નથી.
આ વખતે જે રીતે ઉહાપોહ થયો અને એસઆઈટીની રચના કરાઈ તેનાથી નવાઈ લાગી છે
સ્થાનિક અગ્રણીઓએ મીડિયાને જણાવ્યું હતું કે પાસેની દરગાહમાં જ્યારે પણ ઉર્સ ભરાય છે ત્યારે તેની લોબાન મંદિર પાસે લઈ જવાય છે અને તેના દરવાજા પાસેથી જ ધૂપ ધરવામાં આવે છે. કોઈ અંદર પ્રવેશતું નથી કે ચાદર ચઢાવવાનો પણ કોઈ પ્રયાસ ક્યારેય થયો નથી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે . ક્યારેય કોઈ વિવાદ થયો નથી. પરંતુ આ વખતે આ વિવાદે બહુ મોટું સ્વરુપ લીધું અને રાજ્ય સરકારે એસઆઈટી પણ રચી તેનાથી નવાઈ લાગી છે. ત્ર્યંબકેશ્વરમાં લઘુમતી વસ્તી બહુ ઓછા પ્રમાણમાં રહે છે અને આ ગામમાં હંમેશાં સામાજિક સૌહાર્દ જળવાયેલું રહ્યું છે. અત્યારે પણ ગામમાં કોઈ જાતનું ઉગ્રતાનું વાતાવરણ નથી.
મંદિરના પ્રવેશદ્વારે સૂચના છેઃ માત્ર હિન્દુઓને જ પ્રવેશ
ત્ર્યંબકેશ્વર મંદિરના પ્રવેશ દ્વારે સૂચના મૂકવામાં આવી છે કે આ મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશની મંજૂરી છે. મંદિર કમિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરમાં ક્યારેય કોઈ વિધર્મીને પ્રવેશ અપાતો નથી. ગયા શનિવારે કેટલાક વિધર્મી યુવકોએ અંદર આવવા પ્રયાસ કર્યો ત્યારે પણ આ નિયમને ટાંકીને તેમને મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.