ચાર ધામ યાત્રાએ જવાનું આયોજન કરી રહ્યા હોવ અને હૃદય-બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય તો સાવચેતી રાખવી ખૂબ જ જરૃરી થઇ જાય છે. વાત એમ છે કે, ચાર ધામ યાત્રા દરમિયાન છેલ્લા ૬ દિવસમાં ૬ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યા છે જ્યારે ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે. તબીબોના મતે ચાર ધામ યાત્રાએ જતાં અગાઉ હૃદય-બ્લડ પ્રેશરના દર્દીઓએ પ્રોફાઇલ હેલ્થ ચેક અપ કરાવવુ અને ડોક્ટરની સલાહ લેવી જરૃરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ચાર ધામ યાત્રાના પ્રથમ જ દિવસે ગત શનિવારે યમુનોત્રી ઘોડા પર બેસીને જતી વખતે ગુજરાતના ૬૨ વર્ષીય શ્રદ્ધાળુનું મૃત્યુ થયું હતું. તેમને શ્વાસની બિમારી હતી અને ભૈરો મંદિર પાસે પહોંચતા જ બેચેની વધી હતી અને છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતાં બેભાન થઇ ગયા હતા. તેમને તાકીદે હોસ્પિટલ લઇ જવાયા અને જ્યાં મૃત્ત જાહેર કરાયા હતા. આ જ રીતે આંધ્ર પ્રદેશના ૭૦ વર્ષીય વૃદ્ધનું કેદારનાથ ધામ પરિસરથી થોડે દૂર હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મધ્ય પ્રદેશના ૬૭ વર્ષીય વૃદ્ધ યમુનોત્રી ધામમાં દર્શન દરમિયાન જ બેભાન થઇ ગયા હતા અને કાર્ડિયાક અરેસ્ટને કારણે સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
આ અંગે યુ.એન. મહેતા ઈન્સ્ટિટયુટ ઓફ કાર્ડિયોલોજીના ડો. જયેશ પ્રજાપતિએ જણાવ્યું કે, ‘ચાર ધામ યાત્રાના સ્થળોમાં હવા ઠંડી અને પાતળી હોવાથી ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. જેમને અગાઉ હાર્ટ એટેક આવ્યો હોય તેમને ઠંડીમાં હૃદયની નળીઓ સંકોચાવાની સમસ્યા રહે. ઠંડીની અંદર બોડીનો ટેમ્પરેચર મેઇન્ટેન રાખવા બીએમઆર વધારવો પડે અને જેના કારણે હૃદય પર વધારાનો શ્રમ પડતો હોય છે. ઠંડા વાતાવરણમાં નળીઓમાં લોહી ગંઠાઇ જવાની સંભાવના વધી જતી હોય છે. હૃદયની સમસ્યા હોય તેમણે ગરમ વસ્ત્રો પૂરતા પહેરવા જોઇએ, દવાઓ જે હોય તે નિયમિત લેવી જોઇએ. ચાર ધામ યાત્રાએ જતાં અગાઉ પ્રોફાઇલિટિક હેલ્થ ચેક અપ કરાવવું પણ તેમના માટે જરૃરી છે.
કોવિડ બાદ થોમ્બોસિસના કેસ વધી ગયા છે. હેલ્થ ચેક અપ બાદ જરૃર પડે તો ટ્રેડ મિલ અને ઈકો પણ કરાવવું હિતાવહ છે. ડાયાબિટિસ, વધારે કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર કે કાર્ડિગ્રામમાં કોઇ ફેરફાર હોય તો તેમણે પણ તપાસ કરાવ્યા બાદ જ ચાર ધામ યાત્રાએ જવું જોઇએ. જેમને અગાઉ હૃદય રોગનો હુમલો આવ્યો હોય કે પરિવારમાં હૃદયરોગની હિસ્ટ્રી હોય તો તેમણે અચૂકપણે હેલ્થ ચેક અપ બાદ જ ચાર ધામ યાત્રાએ જવું જોઇએ. આ યાત્રાસ્થળોએ ભીડ ખૂબ જ વધારે હોવાથી તેમના માટે તકેદારી રાખવી જરૃરી થઇ જાય છે. આ પ્રકારની સમસ્યા ધરાવનારા માટે પાતળી હવામાં ૮ થી ૧૦ કિલોમીટર ચાલવું ખૂબ જ મુશ્કેલ હોય છે. હૃદય રોગનો હુમલો અગાઉ આવ્યો હોય કે પમ્પિંગ નબળું હોય તેમણે ચાલવાનો આગ્રહ રાખ્યા વગર ડોલી-ઘોડેસવારી-હેલિકોપ્ટરનો ઉપયોગ કરવો જોઇએ.