દિલ્હી લિકર પોલિસી કેસ સાથે સંકળાયેલ મની લોન્ડ્રિંગ કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની કસ્ટડી વધારી દેવાઈ છે. અગાઉ કોર્ટે સંજય સિંહની ઈડીની જ્યુડિશિયલ કસ્ટડી 13 ઓક્ટોબર સુધી લંબાવી દીધી હતી, જેનો સમય પૂરો થયા બાદ સંજય સિંહને આજે ફરી કોર્ટમાં હાજર કરાયા હતા, જેમાં કોર્ટે સંજય સિંહને 27 ઓક્ટોબર સુધી ઈડીની કસ્ટડી લંબાવી દીધી છે. સુનાવણી દરમિયાન સંજય સિંહ ડાયાબિટીસના દર્દી હોવાના કારણે દવાઓ માટે જુદી એપ્લિકેશન ફાઈલ કરાઈ હતી. ઈડીએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી લિકર પોલિસીમાં અનિયમિતતા કરાઈ છે.
દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો મામલો
સંજય સિંહે આ કેસમાં પોતાની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. સંજય સિંહના વકીલે મુખ્ય જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સંજીવ નરૂલાની બેંચને ત્વરીત સુનાવણી હાથ ધરવાની વિનંતી કરતા કહ્યું કે, ઈડીએ તેમણે ધરપકડ અંગે કોઈ યોગ્ય આધાર જણાવ્યો નથી.
શું છે આરોપ ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચોથી ઓક્ટોબરે સંજય સિંહના સત્તાવાર નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો, ત્યારબાદ તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ 5 ઓક્ટોબરે તેમને રાઉઝ એવેન્યૂ કોર્ટમાં લવાયા હતા, જ્યાં કોર્ટે તેમને 5 દિવસની ઈડીની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીએ કેટલાક ડીલરોને ફાયદો પહોંચાડવા માટે કથિત લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો છે.
અગાઉ સિસોદિયાની ધરપકડ કરાઈ હતી
ઉલ્લેખનિય છે કે, દિલ્હી લીકર પોલિસી કેસમાં અગાઉ AAP નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન દિલ્હી સરકારે 17 નવેમ્બર-2021ના રોજ લીકર પોલિસી લાગુ કરી હતી, જોકે તેમાં ગેરરીતિના આરોપો લાગ્યા બાદ 2022ના અંતે પોલિસી પરત ખેંચી લેવાઈ હતી.