પાકિસ્તાનની સેનાના કહેવા પ્રમાણે ચીન સાથે પાકિસ્તાનના સૈન્ય સહયોગ પર પહેલા દિવસે ચર્ચા થઈ છે. ચીનમાં તેમનુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ છે. ચીન દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયુ છે.
પાકિસ્તાનના નવા આર્મી ચીફ મુનિરનો આ પહેલો ચીન પ્રવાસ છે. જનરલ મુનિરે બુધવારે ચીન પહોંચીને ચીનની સેનાના કમાન્ડર સાથે મુલાકાત કરી હતી અને તેમાં બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગમાં વધારો કરવોનો એજન્ડા સામેલ હતો.
જનરલ મુનિરે ચીનની આર્મીની ઓપરેશનલ ક્ષમતાઓ તેમજ સૈનિકોને અપાતી ટ્રેનિંગની પણ જાણકારી લીધી હતી. આવનારા દિવસોમાં પાકિસ્તાનની અને ચીનની સેના વચ્ચે જોઈન્ટ ટ્રેનિંગ અને અભ્યાસ પર પણ સંમતિ સધાઈ હતી.
પાકિસ્તાનમાં જોકે જનરલ મુનિરના ચીન પ્રવાસમાં થયેલા વિલંબથી ઘણાને આશ્ચર્ય થયુ છે. કારણકે પાકિસ્તાનમાં આર્મી ચીફની નિમણૂંક થતાની સાથે જ ગણતરીના દિવસોમાં તેમની ચીનની મુલાકાત નિશ્ચિત હોય છે. જોકે જનરલ મુનિર તેમની નિમણૂંકના 6 મહિના બાદ ચીન પહોંચ્યા છે.
ચીનમાં રાષ્ટ્રપતિ જિનપિંગે નવા સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રીની નિમણૂંક કરી હોવાથી પાકિસ્તાનના આર્મી ચીફની ચીનની મુલાકાત મહત્વની ગણાય છે.ઉપરાંત ચીનના કારણે સાઉદી અરબ અને ઈરાનના સબંધો સુધર્યા છે ત્યારે પાકિસ્તાનને આશા છે કે, ચીનના કારણે આ દોસ્તીનો ફાયદો તેને પણ મળશે.