યુક્રેન ઉપર ચડાઈ કરી યુદ્ધ છેડવાના મામલે અમેરિકા, યુરોપ અને નાટો દેશોએ રશિયા ઉપર અનેક આર્થિક પ્રતિબંધ લાદયા છે એમાંથી રશિયામાં થતા સોનાના ઉત્પાદનની નિકાસ ઉપર પણ અંકુશ મુકવામાં આવ્યા છે. જોકે, જે રીતે રશિયન ક્રૂડ ઓઈલ ભારત અને ચીનમાં પ્રોસેસ થઇ રીફાઈન્ડ પેટ્રોલ અને ડિઝલ અમેરિકા અને યુરોપની બજારમાં વેચવામાં આવી રહ્યું છે તેમ યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ) હવે રશિયન સોનાનું હબ બન્યું છે.
રશિયાના કસ્ટમ વિભાગના ડેટા અનુસાર યુક્રેન ઉપર યુદ્ધ શરુ થયા પછી ગલ્ફના યુએઈમાં ૧૦૦૦ જેટલા શીપમેન્ટ મારફત ૭૫.૭ ટન કે ૪.૩ અબજ ડોલર સોનાની નિકાસ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૧ના સમગ્ર વર્ષમાં રશિયાની યુએઈ ખાતેની નિકાસ માત્ર ૧.૩ ટન હતી. આ પછી ચીન અને તુર્કીએ ૨૦ ટન રશિયન સોનાની આયાત કરી છે. રશિયાએ કુલ સોનાની નિકાસ કરી છે તેમાં યુએઈ, ચીન અને તુર્કીનો હિસ્સો ૯૯.૮ ટકા જેટલો ઉંચો છે.
માર્ચ ૨૦૨૨માં વિશ્વના સોનાના સૌથી મોટા ટ્રેડીંગ હબ અને એક્સચેન્જ લંડન બુલિયન માર્કેટ એસોસીએશને રશિયન સોના ઉપર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ પહેલા રશિયાનું મોટાભાગનું સોનું લંડનની બજારમાં જ વેચાવા માટે આવતું હતું. લંડન બાદ યુરોપીયન સંઘ, સ્વીત્ઝરલૅન્ડ, અમેરિકા, કેનેડા અને જાપાને પણ રશિયન સોનાની ખરીદી ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.
બજારના નિષ્ણાંતો માને છે કે ક્રૂડની જેમ રશિયન સોનું પણ અમેરિકા અને યુરોપની બજારમાં પહોંચી શકે છે. યુએઈમાં આવેલા સોનાને ઓગાળી અને ફરી તેને નવા સ્વરૂપમાં યુએઈથી અમેરિકા કે લંડન વેચી શકાય છે.
જો ચીન, તુર્કી અને યુએઈ અન્ય દેશોના પ્રતિબંધનો અમલ કરી, મોસ્કોથી આવતી ચીજો બંધ કરે તો ગ્રુપ ઓફ સેવન રાષ્ટ્રની બજારમાં મુક્ત રીતે આ ત્રણ દેશો પ્રવેશી શકે એવી ઓફર અમેરિકન વહીવટી તંત્રે કરી છે. આ ઓફર સ્વીકારવામાં આવે તો રશિયાની પ્રવૃત્તિ ઉપર વધારે દબાણ આવશે એવી ધારણા છે.ફેબુઆરી ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ વચ્ચે રશિયાએ કુલ ૧૧૬.૩ ટન સોનાની નિકાસ કરી છે. બીજી તરફ રશિયામાં કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સોનાનું કુલ ઉત્પાદન ૩૨૫ ટન હતું. એવી શક્યતા છે કે બાકીનું સોનું દેશમાં જ રહ્યું છે અથવા તો સરકારે નિકાસના ડેટા સાથે ચેડાં કરી સત્ય ઢાંકવા માટે પ્રયત્ન કર્યો છે.