દેશમાં બોર્ડ પરીક્ષાઓ હવે વર્ષમાં બે વખત યોજવામાં આવશે. નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળા શિક્ષણનું નવું નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (એનસીએફ) તૈયાર કર્યુ છે જે હેઠળ હવે બોર્ડ પરીક્ષાઓ હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. એનસીએફની ગાઇડલાઇન અનુસાર વિદ્યાર્થી પાસે બંને પરીક્ષામાંથી જેમાં વધારે ગુણ હશે તે જાળવી રાખવાનો વિકલ્પ રહેશે.
નવી શિક્ષણ નીતિ લાગુ કરવા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તૈયાર કરેલા શાળા શિક્ષણના નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક હેઠળ લેવાયેલો નિર્ણય
બંને પરીક્ષાઓ ટર્મ વાઇઝ નહીં હોય. જે પરીક્ષામાં વિદ્યાર્થીના સારા ગુણ આવશે તે ગુણ આગળ માન્ય ગણાશે. વિદ્યાર્થીને પરીક્ષા પાસ કરવા માટે બે તક આપવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ (એનઇપી) અનુસાર નેશનલ ફ્રેમવર્ક કરિકક્યુલમ તૈયાર થઇ ગયું છે. જે અનુસાર શૈક્ષણિક સત્ર ૨૦૨૪ના પાઠય પુસ્તકો તૈયાર કરવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયના એનસીએફ અનુસાર ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને બે ભાષા ભણવી પડશે. જેમાંથી એક ભાષા ભારતીય હોવી જોઇએ.
શિક્ષણ મંત્રાલયના નવા કરિક્યુલમ ફ્રેમવર્ક હેઠળ બોર્ડ પરીક્ષાઓ કોચિંગ ક્લાસીસ અને ગોખવાની ક્ષમતાની સરખામણીમાં વિદ્યાર્થીઓની સમજનું મૂલ્યાંકન કરશે.બોર્ડ પરીક્ષાનો ભય દૂર કરી તેને સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
નવી વ્યવસ્થા હેઠળ ધોરણ ૧૧ અને ૧૨માં વિષયોની પસંદગી આર્ટસ, સાયન્સ અથવા કોમર્સ સ્ટ્રીમ સુધી મર્યાદિત નહીં રહે વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા રહેશે.
નવા કરિક્યુલમ ફ્રેમવર્ક અનુસાર સ્કૂલ બોર્ડ યોગ્ય સમયે માગ અનુસાર પરીક્ષા લેવાની ક્ષમતા વિકસિત કરશે. વર્તમાન વ્યવસ્થામાં જો કોઇ વિદ્યાર્થી પરીક્ષા આપી શકતો નથી તો તેને બીજી તક મળતી નથી.
એનસીએફના જણાવ્યા અનુસાર વર્તમાન પધ્ધતિ વિદ્યાર્થીઓ દ્વારા શીખવામાં આવેલા તથ્યો ફરીથી લખવાની ક્ષમતા પર કેન્દ્રિત છે. જેનાથી પરીક્ષાનો ઉદ્દેશ પૂર્ણ થતો નથી. વિદ્યાર્થી કેટલું શીખ્યું તે ચેક કરવા માટે વર્તમાન સિસ્ટમ અધૂરી અને અયોગ્ય છે.