જમ્મુની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH) ના દસ વિદ્યાર્થીઓને ‘ધ કેરળ સ્ટોરી’ પર રવિવારે થયેલી બોલાચાલી બાદ બે મહિના માટે હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. રવિવારે, ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર બે જૂથો વચ્ચેની અથડામણમાં પાંચ ડૉક્ટરો ઘાયલ થયા હતા, જેમાંથી એકને માથામાં ઈજા થઈ હતી.
જે 10 વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો, જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેઓને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ક્લાસમાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઘટના બાદ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ શશિ સુધન શર્માએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પાસે વધારાની સુરક્ષાની માંગ કરી છે.
પ્રિન્સિપાલે હોસ્ટેલ અને કોલેજ પરિસરની આસપાસ વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાની માંગ કરી છે. ઘાયલોમાં ચાર વિદ્યાર્થીઓ જમ્મુના અને એક કાશ્મીરનો હોવાનું કહેવાય છે. બીજી તરફ માથામાં ઈજા પામેલા વિદ્યાર્થીની ઓળખ ભાદરવાહના હસીબ તરીકે થઈ છે. જ્યારે અન્ય ચાર અરુણેશ, અક્ષિત, અનિકેત અને ઉમર ફારૂકને સામાન્ય ઈજા થઈ છે.
કોલેજ ગૃપમાં ફિલ્મની પ્રશંસા થઈ હતી
વિદ્યાર્થીઓના દાવા મુજબ, વિવાદ ત્યારે વધ્યો જ્યારે પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થીઓ માટે બનાવેલ એક WhatsApp જૂથે ‘ધ કેરળ સ્ટોરી’ને સારી ફિલ્મ ગણાવી. આ જૂથનો ઉપયોગ ફક્ત કૉલેજ સંબંધિત અપડેટ્સ પોસ્ટ કરવા માટે થાય છે.
ફિલ્મના વખાણ કર્યા બાદ વોટ્સએપ ગ્રુપમાં વિવાદ વધ્યો હતો
મીડિયા અહેવાલો અનુસાર, જૂથમાં ફિલ્મની પ્રશંસા કરનાર વિદ્યાર્થીએ હોસ્ટેલમાં વિરોધ કરવાનું શરૂ કર્યું અને તેની સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી. મારપીટ બાદ હોસ્ટેલમાં હંગામો વધી ગયો હતો અને કેટલાક બહારના લોકો પણ હોસ્ટેલમાં આવી ગયા હતા અને બે જૂથો મારામારી કરવા લાગ્યા હતા.
વિવાદ વધુ વધી ગયો જ્યારે કેટલાક બહારના લોકોની મદદથી રાત્રે લગભગ 3 વાગે ફરી હુમલો કરવામાં આવ્યો. ઘટનાની તપાસની જવાબદારી શિસ્ત સમિતિની છે. સમિતિ સાત દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરશે. ત્યાં સુધી 10 વિદ્યાર્થીઓ વર્ગમાં જોડાઈ શકશે નહીં.