મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. પ્રચાર દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ગુસ્સે ભરાયા છે. અખિલેશે પણ વળતો જવાબ આપી ઈન્ડિયા ગઠબંધન )ને લઈ મોટી વાત કરી નાખી છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસના લોકો BJP સાથે મળેલા છે. જો અમને ખબર હોત કે કોંગ્રેસ વિધાનસભામાં ગઠબંધન નહીં કરે તો અમે ક્યારેય તેમનો ફોન પણ ઉપાડ્યો ન હોત.
અખિલેશ અંગે સવાલ કરાતા જ ભડક્યા કમલનાથ
પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના પીસીસી ચીફ કમલનાથ પોતાના મતક્ષેત્ર છિંદવાડાની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે મીડિયાને કહ્યું કે, માહોલ ખુબ સારો છે, ટિકિટ જાહેર કરાયા બાદ ફોન આવી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે, ઘણો ઉત્સાહ છે. અમે વધુ બેઠકો મેળવીશું. આ દરમિયાન કમલનાથને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અંગે પ્રશ્ન કરાયો તો તેઓ ભડકી ઉઠ્યા. મીડિયાએ કમલનાથને પૂછ્યું કે, અખિલેશ યાદવે કોંગ્રેસ પર વિશ્વાસઘાતના આરોપો લગાવ્યા છે, તેમાં તમારું શું કહેવું છે ? આ સવાલ કરાતા જ કમાલનાથ તુરંત બોલ્યા, ‘અરે ભાઈ છોડો અખિલેશ અખિલેશ’
કમલનાથના નિવેદન બાદ કોંગ્રેસ પર અખિલેશનો વળતો પ્રહાર
કમલનાથના નિવેદન બાદ અખિલેશ યાદવ કોંગ્રેસ પર ગુસ્સે ભરાયા છે. તેમણે કહ્યું કે, મને સમજાતું નથી કે, આખરે અન્ય પક્ષોને પોતાની સાથે લેવામાં કોંગ્રેસને શું વાંધો છે ? કોઈ પક્ષમાં તાકાત હોય તો તેને પોતાની સાથે રાખવો જોઈએ. મને એ દિવસો યાદવ છે, જ્યારે કોંગ્રેસે પોતાની સરકાર બનાવવી હતી, ત્યારે રાજ્યમાં સવારથી સાંજ સુધી અમારા ધારાસભ્યોને શોધતા રહ્યા હતા.
તો અમે કોંગ્રેસ નેતાના ફોન ન ઉઠાવ્યા હોત : અખિલેશ
અખિલેશે વધુમાં જણાવ્યું કે, અમે I.N.D.I.A. ગઠબંધનના વિશ્વાસે અમારા નેતાઓને નિરાશ ન કરી શકીએ. ભાજપને હરાવવા માટે સમાજવાદી પાર્ટી સંપૂર્ણ તૈયાર છે, માત્ર કોંગ્રેસે નિર્ણય લેવાયો છે. જો અમને ખબર હોત કે, ગઠબંધન વિધાનસભા સ્તરે બનાવાયું નથી, તો અમે બેઠકમાં પણ ન ગયા હોત અને કોંગ્રેસ નેતાઓનો ફોન પણ ન ઉઠાવ્યા હતો.
ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે, ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગજગ્રાહ શરૂ થતા રાજ્યના રાજકારણ ગરમાયું છે અને રાજ્યમાં બંને પક્ષો વચ્ચે શીટ શેયરિંગની સંભાવના પણ નહિવત જોવા મળી રહી છે.