ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં સગીર બાળકોના ધર્માતરણના મામલામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલાનો ખુલાસો કરનાર ડીસીપી નિપુણ અગ્રવાલે જણાવ્યું કે તેમની પાસે ગુજરાતથી માહિતી આવી રહી છે કે એક વિસ્તારમાં 400થી વધુ બાળકોનું ધર્માતરણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક ફોટો રેકોર્ડિંગ અને વીડિયો મોકલવામાં આવ્યા છે, પરંતુ હજુ તેની ખરાઈ નથી.
અહીંયા એ પણ જણાવવું જરુરી છે કે ગાઝિયાબાદમાં 30 મેના રોજ કવિનગર પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાયા બાદ બે લોકોના નામ સામે આવ્યા હતા, જેમાં એક સેક્ટર-23ની મસ્જિદનો મૌલવી હતો, જ્યારે બીજો મહારાષ્ટ્રનો રહેવાસી શાહનવાજ હતો. મૌલવીને તો પોલીસ જેલમાં ધકેલી ચૂકી છે, જ્યારે શાહનવાજને પકડવા માટે યુપી પોલીસની ટીમો મહારાષ્ટ્ર પહોંચી ગઈ છે. પરંતુ શાહનવાજ પોતાના મોબાઇલ નંબર બદલીને એક સ્થળથી બીજા સ્થળે ભાગી રહ્યો છે, જેના કારણે પોલીસને પકડવામાં મુશ્કેલી પડી રહી છે. આ મામલાના તાર ઝાકિર નાઇક સાથે જોડાયેલા છે. ગાઝિયાબાદથી લઈને હરિયાણા અને પંજાબ સુધી કિશોરોના ધર્માતરણ કરાવવામાં આવી રહ્યા છે. ગાઝિયાબાદના એક પરિવારને ત્યારે પોતાના બાળક પર શંકા પડી, જ્યારે તેમનું બાળક જીમ જવાના નામ પર પાંચ વખત મસ્જિદ જઈને નમાજ અદા કરતો હતો. પોલીસ અનુસાર ધર્માતરણ કરાવવા માટે ઓનલાઈન ગેમ રમાડતા હતા, એમાં કહેવામાં આવતું હતું કે જો જીતવું છે તો કુરાનની આયાત વાંચો. ત્યારબાદ ધીમે-ધીમે ઝાકિર નાઇકના વીડિયો દેખાડીને બાળકોને પ્રોત્સાહિત કરાતા હતા કે એ ઇસ્લામ ધર્મ અપનાવે.