દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક સોલ હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકન પ્રમુખ જો બાઈડન સાથે મુલાકાત કરી છે. એ પછી બંને દેશના નેતાઓએ વોશિંગ્ટન ડિકલેરેશન નામના કરારની જાહેરાત કરી છે.
આ કરાર અંગે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુને કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ બાઈડને દક્ષિણ કોરિયા માટે અમેરિકાની પ્રતિબધ્ધતાને દર્શાવી છે.જો ઉત્તર કોરિયાએ પરમાણુ બુમલો કર્યો તો અમેરિકા દક્ષિણ કોરિયા સાથે મળીને પોતાના પરમાણુ હથિયારોનો પણ ઉપયોગ કરીને નિર્ણાયક જવાબ આપશે. ઉત્તર કોરિયા તરફથી સંભવિત પરમાણુ હુમલાના ખતરાને જોતા બંને દેશો એક જોઈન્ટ ટાસ્ક ફોર્સ પણ બનાવવાના છે.
બીજી તરફ અમેરિકાએ પણ ઉત્તર કોરિયાની સાન ઠેકાણે લાવવા માટે પોતાની પરમાણુ હથિયારોથી સજ્જ સબમરિનો અને બીજી સૈન્ય સામગ્રી દક્ષિણ કોરિયા મોકલવાની જાહેરાત કરી છે.
બાઈડને કહ્યુ હતુ કે, જો ઉત્તર કોરિયા દ્વારા અમેરિકા અથવા તેના સાથીદાર દેશો સામે પરમાણુ હુમલો કરવામાં આવ્યો તો આ હુમલો કરનારાના શાસનનો અંત આવી જશે.