ઓસ્ટ્રેલિયાની સરકારે સિડનીમાં આગામી મહિને યોજાનારી ખાલિસ્તાનીઓના દુષ્પ્રચારની એક ઈવેન્ટને રદ કરી દીધી છે.સિખ ફોર જસ્ટીસ સંગઠન દ્વારા આ ઈવેન્ટ યોજાવાની હતી.
ન્યૂઝ એજન્સીએ અમેરિકન અખબારને ટાંકીને પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, સિડનીના બ્લેકટાઉન વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો પણ સ્થાનિક કાઉન્સિલ દ્વારા તેની મંજૂરી આપવામાં આવી નથી. સ્થાનિક સિટી કાઉન્સિલ દ્વારા આ મુદ્દે એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં કહેવાયુ છે કે, આ કાર્યક્રમ માટે બૂકિંગ રદ કરવામાં આવ્યુ છે. કારણકે આ પ્રકારના આયોજન અમારી નીતિઓના વિરોધમાં છે. પરિષદના કર્મચારીઓ, લોકો અને લોકોના પ્રતિનિધિઓ પરના જોખમને જોતા આ પગલુ લેવામાં આવ્યુ છે. શહેરમાં ઈવેન્ટને લઈને લગાવાયેલા પોસ્ટરો અને બેનરો પણ હટાવી દેવાયા છે.
એક અધિકારીએ કહ્યુ હતુ કે, ઈવેન્ટના આયોજક સિખ ફોર જસ્ટિસ ગ્રુપ સામે તપાસ પણ ચાલી રહી છે. કારણકે આ ગ્રુપ દ્વારા બિનહિસાબી નાણાની લેવડ દેવડની જાણકારી બહાર આવી છે.
ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનીઓ દ્વારા છાશવારે હિન્દુ મંદિરો પર હુમલા પણ કરવામાં આવ્યા છે અને ઓસ્ટ્રેલિયાના પીએમની ભારત યાત્રા દરમિયાન ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ તેમની સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો.