chat GPT ગયા વર્ષે Open AI દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ ચેટબોટ માર્કેટમાં ચર્ચામાં છે. લોકો ચેટ જીપીટીથી ડરી ગયા છે અને તેમના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે ચેટ જીપીટીના કારણે લોકો તેમની નોકરી ગુમાવી શકે છે. થોડા સમય પહેલા Open AIએ એક રિપોર્ટ શેર કર્યો હતો જેમાં કંપનીએ જણાવ્યું હતું કે ચેટ જીપીટીના કારણે કોની-કોની નોકરી જોખમમાં છે અને કોણ તેનાથી સુરક્ષિત છે. આ દરમિયાન Open AIના સીઈઓ સેમ ઓલ્ટમેન સંસદીય પેનલ સમક્ષ હાજર થયા હતા. જ્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) થી સમાજ સામેના જોખમો અને ચેતવણીઓ અંગે ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
પેટાસમિતિના ચેરમેન રિચર્ડ બ્લુમેન્થલે સુનાવણીની શરૂઆતમાં એક ઓડિયો ક્લિપ રજૂ કર્યો હતો. આ ઓડિયોમાં એક અવાજ હતો જે એક સાંસદનો હોય તેવું લાગી રહ્યો હતો. જ્યારે ખરેખર તે AI ની મદદથી બનાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન સેમ ઓલ્ટમેને અમેરિકી સાંસદોને કહ્યું કે તેમના ચેટબોટે દુનિયાને ચોંકાવી છે. જેના પછી AIનું નિયમન જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું કે AIથી થનારા જોખમોને ઘટાડવા માટે સરકારે હસ્તક્ષેપ કરવું જોઈએ. ઓલ્ટમેને કોંગ્રેસને મોટી ટેક્નોલોજી અંગે નવા નિયમો લાગુ કરવા આગ્રહ કર્યો હતો.
AIના વૈશ્વિક ચહેરા સમાન ઓલ્ટમેને ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપણા જીવનના લગભગ દરેક પાસાઓને સુધારવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેના ગંભીર જોખમો પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમય જતાં AI એક દિવસ માનવ જીવનના કેટલાક સૌથી મોટા પડકારોનો ઉકેલ લાવશે જેમ કે ક્લાઈમેટ ચેન્જ અને કેન્સરની સારવાર. જોકે, બીજી તરફ તે મોટાપાયે નોકરીઓ ગુમાવવાનું કારણ પણ બનશે.
સેમએ સરકારો દ્વારા નિયમનકારી હસ્તક્ષેપ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે AIના ખતરાને ઘટાડવા માટે સરકારી હસ્તક્ષેપ જરૂરી છે.
તેમણે સૂચન કર્યું કે અમેરિકી સરકાર AI મોડલ બહાર પાડતા પહેલા લાયસન્સિંગ અને પરીક્ષણની જરૂરિયાતોના સંયોજન અંગે વિચારી શકે છે.
એક અહેવાલ અનુસાર, ઓલ્ટમેને ટેક્નોલોજી અંગે નિયમો નક્કી કરવા અને AIને નિયંત્રિત કરવા માટે અમેરિકી એજન્સી અને વૈશ્વિક સંકલન બનાવવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું કે AIના જોખમને ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે કંઈક કરવાની જરૂર છે અને તેમાંય અમેરિકાએ નેતૃત્વ કરવું જોઈએ.
ઓલ્ટમેને શ્રમ બજારમાં આવનારી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે લોકોને નોકરી ગુમાવવાનો સૌથી વધુ ડર છે. તેમણે સરકારને કહ્યું કે AI નોકરીઓમાં નહીં પરંતુ કાર્યોમાં સારું રહેશે. તેમણે એમ પણ કહ્યું કે AIમાં સારી ગુણવત્તાવાળી નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે.