ક્લાઈમેટ ચેન્જના કારણે સરેરાશ તાપમાનમાં વધારાની અસર સમુદ્રની ઊંડે સુધી હોંચી રહી છે. સંશોધકોએ ચેતવણી ઉચ્ચારી હતી કે ક્લાઈમેટ ચેન્જની અસરોને કારણે સમુદ્રના ટ્વિલાઇટ ઝોનમાં જોવા મળતી 20 થી 40 ટકા પ્રજાતિઓ આ સદીના અંત સુધીમાં નષ્ટ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે સમુદ્રમાં 200 થી 1,000 મીટરની ઊંડાઈના વિસ્તારને ટ્વિલાઇટ ઝોન કહેવામાં આવે છે. બ્રિટનની કેટલીક યુનિવર્સિટીઓના સંશોધકો દરિયાઈ જીવન પર ક્લાઈમેટ ચેન્જની અસરનું મૂલ્યાંકન કરવા માટે એકઠાં થયા હતા. તેમણે કહ્યું કે વધારે ઉત્સર્જનની સ્થિતિમાં જે રીતે દરિયાઈ જીવનને આગામી 150 વર્ષમાં અસર થશે તેની ભરપાઈ કેટલાંય હજારો વર્ષ વીતી જવા છતાં નહીં કરી શકાય.
ખૂબ જ ઓછો બાહ્ય પ્રકાશ સમુદ્રના ટ્વિલાઈટ ઝોન સુધી પહોંચે છે, પરંતુ અહીં ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. ઉપરાંત અહીં અબજો ટન કાર્બનિક પદાર્થો છે. સંશોધકોએ કહ્યું કે ટ્વિલાઇટ ઝોન વિશે બહુ ઓછા અભ્યાસ કરવામાં આવ્યા છે, પરંતુ ઇતિહાસના અનુભવના આધારે ભવિષ્યની આગાહી કરી શકાય છે.
કાર્ડિફ યુનિવર્સિટીના પ્રોફેસર પોલ પીયર્સનએ જણાવ્યું કે અભ્યાસ દરમિયાન પૃથ્વી પર 50 લાખ વર્ષ અને 15 કરોડ વર્ષ પહેલાના બે ગરમ સમયગાળાને લઈને મળેલા પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ટ્વિલાઇટ ઝોનમાં હાલમાં જે પ્રજાતિઓ છે તેને વિકસિત થવામાં લાખો વર્ષો લાગ્યા છે. આ ઝોન ફ્રીઝ જેવું કામ કરે છે. હવે ક્લાઈમેટ ચેન્જના કારણે જે રીતે તાપમાન વધી રહ્યું છે, તેનાથી તેઓ જોખમમાં છે.