યુક્રેન અને રશિયાના યુધ્ધના કારણે ઈરાન અને રશિયા વચ્ચેના સબંધો બહુ ઘનિષ્ઠ બની ગયા છે. રશિયાની જેમ ઈરાન પણ પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહ્યુ છે.આમ આ બંને દેશોએ હવે હાથ મિલાવ્યા છે. ઈરાન દ્વારા રશિયાને પોતાના ડ્રોન સપ્લાય કર્યા છે તો બદલામાં રશિયા સુખોઈ-35 ફાઈટર જેટ ઈરાનને આપવાનુ છે. ઈરાનને 50 વર્ષ બાદ કોઈ અત્યાધુનિક લડાકુ વિમાન મળવા જઈ રહ્યુ છે.
આ ચોથી પેઢીનુ વિમાન છે. આકાશમાં દબદબો જમાવવાનુ તેનુ મુખ્ય કામ છે. તાજેતરમાં જ ઈરાને કહ્યુ હતુ કે, રશિયા સાથે આ વિમાનો માટે અમે ડીલ કરી છે. આગામી સપ્તાહે વિમાનોની પહેલી ટુકડી ઈરાને મળી જશે.
અમેરિકાના પ્રતિબંધોના કારણે ઈરાન છેલ્લા 33 વર્ષથી નવુ કોઈ વિમાન પોતાની એરફોર્સમાં સામેલ કરી શક્યુ નથી. છેલ્લે 1976માં અમેરિકાએ ઈરાનને 79 એફ-14 ટોમકેટ્સ વિમાનો આપ્યા હતા. જોકે ઈરાનમાં 1979માં થયેલી ઈસ્લામિક ક્રાંતિ બાદ બંને દેશના સબંધો ખરાબ થયા હતા અને તે હજી સુધર્યા નથી.
ઈરાને અમેરિકન બનાવટના આ વિમાનો વડે ઈરાક સામેના યુધ્ધમાં તરખાટ મચાવ્યો હતો. છેલ્લે 1990માં ઈરાને રશિયા પાસે મિગ-29 વિમાન ખરીદયા હતા પણ તેમાં ઈરાનને વધારે રસ પડ્યો નહોતો.
જોકે સુખોઈ-35 વિમાનો માટે ઈરાન છેલ્લા કેટલાય સમયથી રશિયા સાથે વાટાઘાટો કરી રહ્યુ હતુ. હવે રશિયાને યુક્રેન સામે લડવા માટે ઈરાનના ડ્રોન વિમાનોની જરુર પડી હોવાથી આ ડીલ આગળ વધી છે.
ઈરાનને આ વિમાનો મળ્યા બાદ ઈઝરાયેલનુ ટેન્શન વધશે. કારણકે ઈઝરાયેલના અમેરિકન બનાવટના વિમાનો સામે સુખોઈ 35થી ઈરાન બરોબર ટક્કર આપી શકશે.