જોકે આ મતદાન બાદ વર્તમાન રાષ્ટ્રપતિ અને ભારતના કટ્ટર દુશ્મન એર્દોગન અને તેમની સામેના મુખ્ય ઉમેદવાર કેમલ કિલિકડારોગ્લૂ એમ બેમાંથી એક પણ ઉમેદવારને 50 ટકા કરતા વધારે મત મળ્યા નથી. આમ તુર્કીમાં 28 મેના રોજ ફરી રાષ્ટ્રપતિ પદ માટે નિર્ણાયક મુકાબલો થશે.
તુર્કીના નિયમ અનુસાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે જીત માટે 50 ટકા કરતા વધારે મત મેળવવા જરુરી હોય છે. એર્દોગન સામે તુર્કીના મહાત્મા ગાંધી કહેવાતા વિપક્ષી પાર્ટીઓના સંયુક્ત ઉમેદવાર કેમલ કિલિકડારોગ્લૂ કાંટાની ટક્કર આપી રહ્યા છે.
ચૂંટણી પરિણામ પર નજર રાખી રહેલી એજન્સીના કહેવા પ્રમાણે 94.24 ટકા બેલેટ બોક્સમાંથી 49.59 ટકા મત એર્દોગન અને 44.67 ટકા મત કેમલ કિલિકડારોગ્લૂને મળ્યા છે. જ્યારે ત્રીજા ઉમેદવાર સિનાન ઓગનને લગભગ પાંચ ટકા મત મળ્યા છે. તેમના કારણે મુખ્ય બે ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારને સ્પષ્ટ જીત મળી નથી. હવે સિનાન ઓગન કોના પક્ષે ઝુકાવે છે તે જોવુ મહત્વનુ રહેશે.
વર્તમાન ચૂંટણી છેલ્લા બે દાયકાથી તુર્કીના રાજકારણમાં પ્રભુત્વ જમાવી રાખનાર એર્દોગન માટે સૌથી પડકારજનક ચૂંટણી મનાય છે. આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે ભારતના કટ્ટર દુશ્મન એર્દોગન ફરી રાષ્ટ્રપતિ બનશે કે પછી પોતાને વધારે લોકતાંત્રિક ગણાવતા વિપક્ષી પાર્ટીના ઉમેદવાર કેમલ કિલિકડારોગ્લૂ સત્તા પર આવશે?
કેમલ કિલિકડારોગ્લૂએ જો સત્તા પર આવશે તો દેશમાં હાલમાં સ્થપાયેલી રાષ્ટ્રપતિ પ્રણાલીને સમાપ્ત કરીને દેશમાં સંસદીય લોકતંત્રની વાપસી કરાવવાનો વાયદો કર્યો છે. સાથે સાથે ન્યાયપાલિકા તથા સેન્ટ્રલ બેંકની સ્વાયત્તતા માટે તેમજ ફ્રી સ્પીચ પર લગાવાયેલો પ્રતિબંધ હટાવવા માટે પણ લોકોને ખાતરી આપેલી છે.