સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિક બેંક ટૂંક સમયમાં વેચાઈ શકે છે. જો બેંક રીસીવરશીપમાં આવે છે, તો તે એક મહિનામાં પડી ભાંગનારી યુએસની ત્રીજી બેંક હશે. ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેર શુક્રવારે ન્યૂયોર્કના ટ્રેડિંગમાં 54 ટકા જેટલા ગબડ્યા હતા અને યુએસ બેન્કિંગ રેગ્યુલેટર રિસીવરશિપમાં જશે તેવી અટકળોને કારણે 43 ટકા ઘટીને બંધ થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં બેંકના શેરમાં 97 ટકાનો ઘટાડો થયો છે.
આ પરિસ્થતિનો ઉકેલ લાવવા માટે 11 બેંકોના જૂથે માર્ચમાં ફર્સ્ટ રિપબ્લિકમાં $30 બિલિયન જમા કરાવ્યા હતા. તેમાં અમેરિકી કેટલી મોટી મોટી બેંકોનો સમાવેશ પણ સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર, આ દરમિયાન, યુએસ બેન્કિંગ રેગ્યુલેટર ફર્સ્ટ રિપબ્લિક બેન્કને તાત્કાલિક રિસીવરશિપ હેઠળ મૂકવાની તૈયારી કરી રહ્યું છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, ફર્સ્ટ રિપબ્લિક બેંકે જણાવ્યું હતું કે પ્રથમ ક્વાર્ટરમાં તેની થાપણોમાં $ 100 બિલિયનનો ઘટાડો થયો છે. ત્યારપછી બેંક પર સંકટ વધુ ઘેરાવા લાગ્યું અને તેના શેરમાં તીવ્ર ઘટાડો થવા લાગ્યો. આ વર્ષે 9 માર્ચ પછી બેંક ડિપોઝિટમાં લગભગ $70 બિલિયનનો ઘટાડો થયો છે. 9 માર્ચે બેંકની થાપણો $173 બિલિયન હતી. 21 એપ્રિલે તે ઘટીને $102.7 બિલિયન થઈ ગયું. જો કે, પ્રાદેશિક બેંકના અધિકારીઓએ આ અઠવાડિયે કમાણીના અહેવાલમાં જણાવ્યું હતું કે બેંક પાસે ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી રોકડ અનામત છે.
વ્યાજ દરો પર ફેડરલ રિઝર્વના આક્રમક વલણે કેટલાક વ્યવસાયો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. જેના કારણે તેઓ બેંકોને લોન ચૂકવી શકતા નથી. ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં તીવ્ર વધારો કર્યો છે. સિલિકોન વેલી બેંક અમેરિકામાં બેંકિંગ કટોકટીનો પ્રથમ શિકાર બની હતી અને તે પછી સિગ્નેચર બેંકે પણ શ્વાસ ગુમાવ્યો હતો. યુરોપની સૌથી મોટી બેંકો પૈકીની એક ક્રેડિટ સુઈસને UBS ખરીદીને ડૂબતા બચાવી લેવામાં આવી હતી. અમેરિકાની બેંકિંગ કટોકટીએ વૈશ્વિક બજારને હચમચાવી નાખ્યું છે. સિલિકોન વેલી બેંકના ડૂબવાની સૌથી વધુ અસર IT કંપનીઓ પર પડી છે.