પાકિસ્તાનમાં ચૂંટણી પંચે સોમવારે સાંજે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા પોલીસને હુકમ કર્યો હતો. પાકિસ્તાનમાં ચૂંટણી અંગેનાં ટોચનાં એકમની અવમાનના કરવાના આરોપસર ચૂંટણી પંચે પોલીસને આ હુકમ કર્યો હતો, સાથે જણાવ્યું હતું કે તેમની ધરપકડ કરી, પંચ સમક્ષ હાજર કરો.
પંચની અવમાનના અંગેના કેસમાં તેઓને પંચ સમક્ષ હાજર થવા વારંવાર સમન્સ મોકલવામાં આવ્યા હોવા છતાં ઇમરાનખાન પંચ સમક્ષ હાજર નહીં થતાં ચૂંટણી પંચે આ હુકમ કર્યો હતો.
આ કેસની વિગત તે પ્રમાણે છે કે પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના એ વડાએ ચૂંટણી પંચના અધિકારીઓ સહિત મુખ્ય ચૂંટણી કમિશનર અંગે પણ અભદ્ર શબ્દ પ્રયોગો કર્યા હતા. તેથી પંચની અવમાનના કેસમાં તેમની ઉપર ચૂંટણી પંચે સમન્સ મોકલ્યા હતા. પરંતુ તેઓ હાજર થયા ન હતા.
યાદ રહે કે કોઈપણ દેશમાં ચૂંટણી પંચ કવાઝી જ્યુડીશ્યલ ઓથોરિટી ધરાવે છે તેથી કોર્ટની જેમ જ તેને સમન્સ મોકલવાના અને સુનાવણીના તથા સજા કરવાના પણ અધિકારો છે. જોકે તેમાં ફોજદારી કેસમાં થતી કેટલીક સજાઓ આવૃત્ત નથી હોતી તે અલગ વાત છે.
પીટીઆઈના અન્ય પૂર્વ નેતાઓ અસદ ઉમર અને ફવાદ ચૌધરીને પણ મુખ્ય ચૂંટણી કમિશનર અંગે અભદ્ર શબ્દ પ્રયોગો કરવા માટે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. નિસ્સાર દુરાનીનાં નેતૃત્વ નીચેનાં જ સભ્યોનાં ચૂંટણી પંચે તે સર્વે ઉપર બિનજામીન લાયક વોરન્ટ કાઢ્યો છે. તેઓને પહેલાં ૧૧ જુલાઈએ અને પછી ૨૫ જુલાઈએ હાજર થવા હુકમ કર્યો હતો પરંતુ હાજર ન થતાં અવમાનના નીચે તે વોરંટ જારી કરાયાં છે.