અમેરિકાના પેન્સિલવેનિયામાં દિવાળીને નેશનલ હોલિડે જાહેર કરાયો છે. હવે અહીં દિવાળીના અવસરે સત્તાવાર રજા રહેશે. પેન્સિલવેનિયાના સેનેટર નિકિલ સાવલે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. પેન્સિલવેનિયા સ્ટેટની સેનેટે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. તેમણે હિન્દુઓના તહેવાર દિવાળીને નેશનલ હોલિડે તરીકે માન્યતા આપી છે.
ઉલ્લેખનીય છે કે પેન્સિલવેનિયામાં 2 લાખ દક્ષિણ એશિયાઈ લોકો રહે છે. તેમાંથી મોટાભાગના લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. નિકિલે કહ્યું કે દિવાળીના તહેવારને સત્તાવાર રીતે હોલિડે જાહેર કરીને અમે પરસ્પર ભાઈચારો વધારવા માગીએ છીએ. સાથે જ વિવિધ સંસ્કૃતિ વચ્ચે તાલમેલને મજબૂત કરવા માગીએ છીએ. તેમણે કહ્યું કે દર વર્ષે રોશનીનું આ પાવન પર્વ દિવાળી અહીં લોકોના ઘર, મંદિરો અને જાહેર સ્થળોએ ઉજવાય છે.
તેમણે કહ્યું કે આ અંધકારને દૂર કરી રોશની ફેલાવવાનો તહેવાર છે એટલા માટે તેને સત્તાવાર ઓળખ આપવી જરૂરી હતી. ઉલ્લેખનીય છે કે સેનેટર ગ્રેગ રોથમેન અને નિકિલ સાવલે જ તેને સત્તાવાર નેશનલ હોલિડે જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. દર વર્ષે કાર્તિક મહિનાની અમાસે દિવાળી ઉજવાય છે. હિન્દુઓની માન્યતા અનુસાર આ દિવસે 14 વર્ષના વનવાસ બાદ ભગવાન શ્રીરામ માતા સીતા સહિત અયોધ્યાથી પરત ફર્યા હતા.