રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા બે લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાના આયોજન સાથે સરકાર દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 5 નો વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષા આપી ધોરણ 6 માં જ્ઞાનસેતુ શાળાઓમાં પ્રવેશ મેળવી શકશે. આ વિદ્યાથીઓના અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકાર 12 માં ધોરણ સુધી ઉપાડશે.
સમગ્ર રાજ્યમાં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપિત કરવામાં આવશે. જેમાં ગુજરાતના દરેક તાલુકા/મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓછામાં ઓછી એક જ્ઞાનસેતુ ડે સ્કૂલ હોય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને એક શાળામાં 500 વિદ્યાર્થીઓની ક્ષમતા હોય એ પ્રકારનું આયોજન કરાયું છે. જેના માટે આવતીકાલે કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 5.24 લાખ વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપશે. અમદાવાદમાં 54 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાશે.
જ્ઞાનસેતુ પ્રોજેકટ હેઠળ શાળાઓના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. જેને જ્ઞાનસેતુ રેસિડેન્સલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ, ટ્રાઇબલ રેસિડેન્સલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ માં પ્રવેશ માટે આ પરીક્ષા લેવાશે. સરકાર જે પ્રોજેકટ લઈને આવી છે, તેનો કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે. કોંગ્રેસનો દાવો છે કે રાજ્યમાં શિક્ષણ પાછળનો ખર્ચ ઓછો થયો છે. સરકારી શાળાઓ બંધ કરી પ્રાઇવેટ પાર્ટનરના હવાલે શિક્ષણ વ્યવસ્થા સોંપવાનો આ પ્રયાસ સરકાર કરી રહી છે. ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટ ન આપતી સરકાર માત્ર રૂપાળા નામ લઈ આવી શિક્ષણને બજારના હવાલે કરાશે. યોજનાના નામે ઓળખીતાને કમામમાવની તક આપી છે. આ સિવાય સરકારી અને ગ્રાન્ટેડ શાળાના માળખું પણ તૂટી પડશે.
સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટ હેઠળ શરૂ થઈ રહેલ આ નવી વ્યવસ્થામાં સરકાર રાજ્યમાં 50 જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ, 25 જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સીયલ સ્કૂલ, 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ અને 10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરશે. સરકાર દરેક શાળામાં વિદ્યાર્થી દીઠ 20 હજારથી લઈ 70 હજાર રૂપિયા શાળાને ચુકવશે. આ પ્રોજેક્ટ સામે પ્રશ્નો એટલે પણ થઈ રહ્યા છે કારણ કે RTE ના નિયમ વિરુદ્ધ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે પરીક્ષા લેવાશે. RTE ફોરમે પણ શિક્ષણ વિભાગને પત્ર લખી એન્ટ્રન્સ ટેસ્ટ રદ કરવાની માગ કરી હતી. જેમા જણાવ્યુ હતુ કે પ્રાઈમરી શિક્ષણ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવી એ RTE એક્ટ 2009 હેઠળ ગેરકાયદે છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન પેપરથી આ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે 5.30 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે ત્યારે 100 ટકા હાજરી રહે તે માટેનો લક્ષ્યાંક રાખવામાંઆવ્યો છે. જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવા પણ તાકીદ કરવામાં આવી છે.