પાકિસ્તાને રશિયા સાથે યુધ્ધ લડી રહેલા યુક્રેનને તોપના ગોળા અને ટેન્કો સપ્લાય કરી છે તો બીજી તરફ યુક્રેને હવે પાકિસ્તાન સાથે મિત્રતા નીભાવીને પાકિસ્તાનના એમ-17 હેલિકોપ્ટરના એન્જિન અને બીજા સ્પેર પાર્ટસ મોકલવાનુ નક્કી કર્યુ છે.
રશિયા પાસેથી સસ્તુ ઓઈલ મળી રહ્યુ હોવા છતા પાકિસ્તાન રશિયા સાથે જ દગાખોરી કરીને યુક્રેનને ટી-80 ટેન્ક અને બીજા ઘાતક હથિયારો આપી રહ્યુ છે.તો યુક્રેન સાથે હવે પાકિસ્તાને એમઆઈ 17ના એન્જિનો ખરીદવા માટે 15 લાખ ડોલરની ડીલ કરી છે. આ સિવાય યુક્રેનની સંરક્ષણ કંપની પાકિસ્તાનને હેલિકોપ્ટર માટે નવા સ્પેર પાર્ટસ પણ આપશે.
યુક્રેન અને પાકિસ્તાન વચ્ચેના સબંધો જોકે વર્ષો જૂના છે.પાકિસ્તાને યુક્રેન પાસેથી વર્ષો પહેલા 320 જેટલી ટી-80 પ્રકારની ટેન્કો ખરીદી હતી. જે હજી પણ કાર્યરત છે.પાકિસ્તાન પાસે આ ટેન્કોને કાર્યરત રાખવા માટેની જરુરી સપોર્ટ સિસ્ટમ પણ છે. હવે આ જ ટેન્કો પૈકીની કેટલીક ટેન્કો પાકિસ્તાન યુક્રેનને આપી રહ્યુ છે.
1991થી 2020 વચ્ચે પાકિસ્તાન અને યુક્રેન વચ્ચે 1.6 અબજ ડોલરની વિવિધ ડીલો થઈ ચુકી છે. હવે જ્યારે યુધ્ધ ચાલી રહ્યુ છે ત્યારે પાકિસ્તાન દ્વારા યુક્રેનને હથિયાર સપ્લાય કરવા પર રશિયા કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવુ રસપ્રદ રહેશે.