ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને 68માં ફિલ્મફેર અવોર્ડમાં 7 કેટેગરીમાં નોમીનેટ કરવામાં આવી છે. પરંતુ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીનું કહેવુ છે કે તેમને આ બધું નથી જોઈતું. વિવેકે અગ્નિહોત્રીએ એક નિવેદનમાં આ એવોર્ડ શોને અનૈતિક અને ચાપલૂસી યુક્ત ગણાવ્યો છે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે રાઈટર, ડાયરેક્ટર અને ક્રૂના લોકોને એક્ટ્રસના ગુલામ સમજવામાં આવે છે.
નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ તેની રિલીઝ થવાની સાથે જ દેશભરમાં તેહલકા મચાવી દીધી હતી. કાશ્મીર પંડિતોના દર્દ પર આધારિત આ ફિલ્મે દર્શકોને ખૂબ રડાવ્યા હતા. તે સાથે જ તેમને અહેસાસ કરાવ્યો હોતો કે પોતાનું ઘર ગુમાવવું શું હોય છે. આ ફિલ્મના ખૂબ વખાણ થયા હતા. તેમજ દર્શકોએ પણ આ ફિલ્મ પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. આ ફિલ્મને 68માં ફિલ્મફેર એવોર્ડ્સમાં 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. પરંતુ નિર્દેશક અગ્નિહોત્રીનું કહેવું છે કે તેને આ બધું જોઈતું નથી.
વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મફેરને મોં પર ના પાડી દીધી છે. વિવેક અગ્નિહોત્રીએ અવોર્ડ ન લેવાની વાતનું કારણ તેમના એક નિવેદનમાં આપ્યું છે. ટ્વિટર પર પોતાની વાત મૂકતા વિવેકે લખ્યું, ‘મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે કાશ્મીર ફાઇલ્સને 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. પરંતુ હું નમ્રતાપૂર્વક આ અનૈતિક અને સિનેમા વિરોધી પુરસ્કારોનો અસ્વીકાર કરું છું. આનું કારણ પણ કહું છું.
તેમણે આગળ લખ્યું, ‘ફિલ્મફેર મુજબ, સ્ટાર્સ સિવાય, કોઈનો પણ કોઈ ચહેરો નથી. તેમજ કોઈના હોવા ન હોવાથી કોઈ ફરક પડતો નથી. સંજય લીલા ભણસાલી અને સૂરજ બડજાત્યા જેવા મુખ્ય નિર્દેશકોનો ફિલ્મફેરની અનૈતિક દુનિયામાં કોઈ ચહેરો નથી. ભણસાલીની ઓળખ આલિયા ભટ્ટથી થાય છે, સૂરજની અમિતાભથી અને અનીસ બઝમીની કાર્તિક આર્યનથી ઓળખ થાય છે. એવું નથી કે ફિલ્મફેર પુરસ્કારથી ફિલ્મમેકરનું સન્માન વધે છે, પરંતુ આ શરમજનક સિસ્ટમનો અંત આવવો જોઈએ.
તેથી જ હું બોલિવૂડના આ ભ્રષ્ટ, અનૈતિક અને ચાપલૂસી ભર્યા આ પુરસ્કારને નકારી કાઢું છું. હું આવો કોઈ એવોર્ડ નહીં લઉં. લેખકો, નિર્દેશકો, અન્ય એચઓડી અને ક્રૂ સભ્યોને સ્ટાર્સથી નીચા ગણવામાં આવે છે અને તેમના ગુલામ સમજવામાં આવે છે. જે લોકો જીતશે તેમને મારી તરફથી અભિનંદન. આમા સારી વાત એ છે કે હું એકલો નથી. ધીમે ધીમે એક સમાંતર હિન્દી ફિલ્મ ઉદ્યોગ ઉભરી રહ્યો છે. ત્યાં સુધી હંગામો કરવાનો મારો હેતુ નથી, મારો પ્રયાસ છે કે આ સિસ્ટમ બદલાવી જોઈએ. ‘મેરે સીને મેં ના નહી તો તેરે સીને મેં સહી, હો કહી ભી આગ, લેકીન આગ જલની ચાહીએ – દુષ્યંત કુમાર.’
વિવેક અગ્નિહોત્રીને તેની આ વાત પર કમાલ આર ખાન ઉર્ફે કેઆરકેનો સપોર્ટ મળ્યો છે. કેઆરકેએ કોમેન્ટમાં લખ્યું, ‘ભાઈ સાહેબ સાચો નિર્ણય લીધો છે. આ એક બહાદુર નિર્ણય છે. હું તમને સલામ કરું છું. વિવેકના ટ્વીટ પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. યુઝર્સે નિર્દેશકની વાત સાચી હોવાનું જણાવ્યું છે. તો કેટલાક એવા પણ છે જેઓ તેમના પર જ હુમલો કરી રહ્યા છે.
ANNOUNCEMENT:
FILMFARE AWARDS
I learnt from media that #TheKashmirFiles is nominated in 7 categories for the 68th Filmfare Awards. But I politely refuse to be part of these unethical and anti-cinema awards. Here is why:
According to Filmfare, other than the stars, nobody has… pic.twitter.com/2qKCiZ8Llh
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 27, 2023
68મો ફિલ્મફેર એવોર્ડ 27 એપ્રિલે મુંબઈના વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. આ શોના હોસ્ટ સલમાન ખાન છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે વાત કરીએ તો આ ફિલ્મ માર્ચ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડનું કલેક્શન કર્યું હતું. વિવેકે તેની ફિલ્મ ઓસ્કર 2023ની રેસમાં પણ મોકલી હતી. પરંતુ તે નોમિનેશન મેળવવામાં નિષ્ફળ રહ્યી હતી.