ગઈકાલે સાંજે 68મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. જેમાં આલિયા ભટ્ટ અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ’ અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘બધાઈ દો’એ મોટી જીત મેળવી હતી. આ એવોર્ડ શોમાં અનુપમ ખેરની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 7 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. તેના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. પરંતુ આ ફિલ્મ એક પણ એવોર્ડ જીતવામાં સફળ થઇ ન હતી. હવે ફિલ્મના એક્ટર અનુપમ ખેરે એક વિચિત્ર પોસ્ટ શેર કરી છે.
ફિલ્મફેર નોમિનેશનની લિસ્ટ જાહેર થયા બાદ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ એક પણ એવોર્ડ લેશે નહીં. તે આ અનૈતિક અને ભ્રષ્ટ એવોર્ડ સાથે પોતાને જોડવા નથી માંગતા. હવે જ્યારે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને એક પણ એવોર્ડ ન મળ્યો ત્યારે અનુપમ ખેરે એક મોટી વાત કહી છે. તેણે ટ્વિટર પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. અનુપમે લખ્યું, ‘સન્માન એક મોંઘી ભેટ છે. સસ્તા લોકો પાસેથી આની અપેક્ષા ન રાખો.
અનુપમ ખેરનો ઈશારો ફિલ્મફેર એવોર્ડ તરફ છે એવું માનવામાં આવી રહ્યું છે . તેના ટ્વીટ પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. કેટલાંક કહે છે કે તેમની વાત એકદમ સાચી છે. તો ઘણા એવા છે જેઓ તેની ફિલ્મને ખરાબ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તમે એવોર્ડથી ઉપર છો. કાશ્મીર ફાઇલ્સમાં તમારી એક્ટિંગને ઓસ્કાર મળવો જોઈએ. એક યુઝર્સે લખ્યું, ‘ફિલ્મફેર એક મૂલ્યવાન એવોર્ડ છે, ખરાબ ફિલ્મ તેને જીતવાની આશા ન રાખે.’