દેશમાં પ્રદૂષણ ઘટાડવા સરકાર વીજ સંચાલિત વાહનોના વેચાણમાં વધારો થાય તેવા પ્રયાસો કરી રહી છે, ત્યારે પોતાના જ પ્રયાસો સફળ ન થાય તેવા સરકારના કેટલાક પગલાંને પરિણામે વીજ સંચાલિત વાહનોની વેચાણ ગતિ મંદ પડવાની સ્થિતિ ઊભી થઈ છે.
દેશમાં વીજ વાહનોના વેચાણ વધારવા માટે સરકાર દ્વારા ૨૦૧૯માં લવાયેલી ફાસ્ટર એડોપ્શન ઓફ ઈલેકટ્રીક વ્હીકલ્સ સ્કીમ -ટુ હવે સમાપ્ત થવાને આરે છે ત્યારે આ સ્કીમ હેઠળ વીજ સંચાલિત ટુ વ્હીલર્સના થયેલા વેચાણ ટાર્ગેટની કયાંય આસપાસ નહીં હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. સ્કીમ માર્ચ ૨૦૨૪માં પૂરી થઈ રહી છે. અગાઉ સ્કીમ માર્ચ ૨૦૨૨ના સમાપ્ત થવાની હતી પરંતુ તેને લંબાવવામાં આવી છે.
સ્કીમ નિષ્ફળ જવા માટે સરકાર કારણભૂત હોવાનો સોસાયટી ઓફ મેન્યુફેકચરર્સ ઓફ ઈલેકટ્રીક વ્હીકલ્સ દાવો કર્યો છે.
સ્કીમ હેઠળ દસ લાખ વીજ સંચાલિત ટુ વ્હીલર્સનો ટાર્ગેટ રખાયો હતો. સ્કીમ પેટે સરકારે વાહન ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા રૂપિયા ૧૦,૦૦૦ કરોડની યોજના તૈયાર કરી હતી.
સ્કીમ હેઠળ ૯.૬૦ લાખ વીજ સંચાલિત ટુ વ્હીલર્સ વેચાયાનો સરકાર દાવો કરી રહી છે, પરંતુ હકીકતમાં દાવો ભૂલભરેલો છે અને સરકાર તરફથી એપ્રિલ ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૩ના ગાળામાં માત્ર પાંચ લાખ વીજ સંચાલિત ટુ વ્હીલર્સના વેચાણને સબસિડી પૂરી પાડવામાં આવી છે. આનો અર્થ ૪.૫૦ લાખ ટુ વ્હીલર્સને સબસિડી મળવાની બાકી છે એમ સોસાયટી વતિ જણાવાઈ રહ્યું છે.
સરકારે કેટલાક ઉત્પાદકો માટે સબસિડી રદ કરતા ઉદ્યોગ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સ્કીમ હેઠળ દસ લાખ વીજ સંચાલિત ટુ વ્હીલર્સ તથા અન્ય લાખો વીજ વાહનોને રાહત પૂરી પાડવા ટાર્ગેટ રખાયો છે. સ્કીમ હેઠળ ફેબુ્રઆરી સુધીમાં કુલ ૮.૮૦ લાખ વીજ સંચાલતિ વાહનોને સબસિડી પૂરી પાડવામાં આવી છે.
નાણાં વર્ષ ૨૦૨૩ માટે સ્કીમ પેટે ફાળવાયેલા રૂપિયા ૨૯૦૩ કરોડમાંથી સરકારે રૂપિયા ૧૨૧૭ કરોડ જ ફાળવ્યા હોવાનું પણ પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.