અદા શર્માની ફિલ્મ ‘ધી કેરાલા સ્ટોરીઝ’ કેરળમાંથી ૩૨ હજાર હિંદુ યુવતીએ આઈએસની જાળમાં ફસાઈ હોવા પર આધારિત છે એવો દાવો સર્જકોએ અગાઉ કર્યો હતો પરંતુ હવે તેમણે ફેરવી તોળ્યું છે અને આ ફિલ્મમાં માત્ર ત્રણ યુવતીઓની વાત હોવાનું જણાવ્યું છે, તેમણે આ સુધારા સાથેનું નવું ટ્રેલર રીલીઝ કર્યું છે.
આ ફિલ્મનું ટીઝર રીલીઝ થતાં જ ભારે વાદવિવાદ શરુ થઈ ગયો હતો. કેરળથી સાંસદ કોંગ્રેસના નેતા શશી થરુરે આ ફિલ્મમાં હકીકતોની તોડમરોડ અને ભરપુર અતિશયોક્તિ હોવાનું જણાવ્યું હતું. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની યુવા પાંખ દ્વારા કેરળમાંથી ૩૨ હજાર યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાયું હોવાનું સાબિત કરે તેના માટે એક કરોડનું ઈનામ જાહેર કર્યું હતું. તેની સામે હિંદુ સેવા કેન્દ્રએ કેરળમાંથી એક પણ યુવતી સિરિય જઈને આઈએસમાં ન જોડાઈ હોવાનું સાબિત કરે તેને ૧૦ કરોડનું ઈનામ જાહેર કર્યું હતું. એક એડવોકેટ તો આવી કમસેકમ ૩૨ યુવતીની પણ યાદી આપે તેના માટે ૧૧૧ લાખનું ઈનામ જાહેર કર્યું હતું.
આ ફિલ્મને પગલે ભારે રાજકીય ધમાલ મચી છે. કેરળમાં અનેક રાજકીય પક્ષોએ ફિલ્મ પર પ્રતિબંધની માગણી કરી છે. વિપુલ અમૃતલાલ શાહે દ્વારા પ્રોડયૂસ કરવામાં આવેલી ફિલ્મનું દિગ્દર્શન સુદિપ્તો સેનએ કર્યું.