રાજ્યમાં પાણીની અછતગ્રસ્ત સ્થિતિને લઈને રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં રાજ્યમાં અછતની સ્થિતિને લઈને ચિંતા વ્યકત કરવામાં આવી હતી.
હાલ રાજ્યમાં 398 ગામો અને 493 પરા-ફળિયા મળી 891 સ્થાનોએ 504 ટેન્કરો મારફતે 2400 ફેરા દ્વારા પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. હેન્ડપંપના રિપેરીંગ માટે રાજ્યમાં 225 ટીમો કાર્યરત છે. એટલું જ નહિ, ચાલુ વર્ષે પાણી પૂરવઠા વિભાગ દ્વારા 20 હજાર 137 બોર-હેન્ડપંપના કામો પૂર્ણ કરી દેવાયા છે.
સરદાર સરોવર નર્મદા બંધના પાણીની સ્થિતીની સમીક્ષા આ બેઠકમાં કરી હતી. નર્મદાનું પાણી જે અગાઉ 1200 MLD લેવામાં આવતું હતું. તે વર્તમાન સ્થિતીને ધ્યાને લઇને 2300 MLD કરવામાં આવ્યું છે. આગામી ૧પમી મેથી નર્મદા કમાન્ડ એરિયામાં જ્યાં પાણીની માંગણી આવશે ત્યાં આગોતરા પાક અને વાવણી માટે પાણી પહોચાડવાનું સમયબધ્ધ આયોજન કરાશે. હાલમાં રાજ્યના 203 જળાશયોમાં 3245.93 મિલિયન ઘનમીટર એટલે કે કુલ સંગ્રહશકિતના 20.14 ટકા જેટલો પાણીનો જથ્થો સિંચાઇ અને પીવાના ઉપયોગ માટે ઉપલબ્ધ છે.
રાજ્યમાં કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં કુલ 46 ગૌશાળાઓમાં 9433 પશુઓ તેમજ કચ્છમાં 13 જેટલા કેમ્પમાં 7933 પશુઓ આશ્રય લઇ રહ્યા છે. આ પશુઓ સહિત સમગ્ર રાજ્યમાં પશુધન માટે રાહતદરે ત્રણ લાખ કિલો ઘાસચારાનું વિતરણ પણ રાજ્ય સરકારે કર્યુ છે. ખુદ રાજય સ્વીકારે છે કે, દુષ્કાળ ની સ્થિતિ છે લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે, ત્યારે સરકારને પ્રજાકીય કામો કરવાને બદલે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની સરકાર ના બે વર્ષ ની ઉજવણી કરવામાં રસ છે. આ જ બતાવે છે કે સરકાર પ્રજા માટે કેટલી સંવેદનશીલ છે.