હવે એવી જાણકારી સામે આવી હતી કે, ચીને આ યુધ્ધાભ્યાસની પણ જાસૂસી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ચીનની નેવીના જહાજો તેમજ એરક્રાફ્ટ આ સમયે સાઉથ ચાઈનાની સીમામાં તૈનાત હતા. જોકે તેનાથી આસિયાન દેશો અને ભારતીય નેવીની કવાયત પર કોઈ અસર પડી નહોતી.
આ કવાયતમાં ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, બ્રુનેઈ, વિયેતનામના વોરશિપ ભાગ લઈ રહ્યા હતા. તેમની સાથે ભારતીય નેવીના જહાજો પણ જોડાયા હોવાથી ચીનની નેવીના કાન અધ્ધર થઈ ગયા હતા. ચીને પોતાના યુધ્ધ જહાજો અને એક રિસર્ચ જહાજને આ કવાયતના સ્થળથી નજીક મોકલ્યા હતા.
ભારતીય સૂત્રોનુ કહેવુ છે કે, ચીનના જહાજ નજીક આવી શક્યા નહોતા અને તેના કારણે ડ્રિલ પર કોઈ અસર પડી નહોતી. આ જહાજો એટલા નજીક પણ નહોતા કે કોઈ ખતરો સર્જાઈ શકે.
ઉલ્લેખનીય છે કે, આસિયાન દેશો સાથે ચીનના સબંધો બગડી રહ્યા છે ત્યારે ભારત તેમની સાથે સબંધો વધારવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. ભારતે તાજેતરમાં જ ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલનુ એન્ટિ શિપ વર્ઝન પુરુ પાડ્યુ છે. આ સિવાય બીજા ટ્રેનિગં પ્રોગ્રામ પણ ભારતે શરુ કર્યા છે. જેની પાછળનો હેતુ આ દેશોને લડાકુ વિમાનો અને સબમરિન સંચાલનની વધારે જાણકારી આપવાનો છે.
ફિલિપાઈન્સ બાદ બ્રહ્મોસ મિસાઈલ માટે ઈન્ડોનેશિયા અને વિયેતનામ સાથે ભારતની ડીલ પણ ફાઈનલ થવા જઈ રહી છે.