વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી વધુ.
CBSE આજે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યુ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બોર્ડ ધોરણ 10નું પરિણામ પણ આજે જ જાહેર કરશે. વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન cbse.gov.in અને cbseresults.nic.inની અધિકૃત વેબસાઇટની પર ધોરણ 12 નું પરિણામ ચેક કરી શકે છે. વિદ્યાર્થીઓએ પરિણામ જાણવા માટે તેમનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે. આ વર્ષે ધોરણ 12માં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જે 2019માં કોવિડ પહેલાના સમયગાળામાં 83.40 ટકાની પાસ ટકાવારી કરતાં વધુ સારી છે. CBSE અનુસાર વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 6 ટકા વધુ રહી છે. છોકરીઓની પાસ ટકાવારી 90.68 ટકા રહી છે જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 84.67 ટકા રહી છે.
સેન્ટ્રલ બોર્ડે એમ પણ કહ્યું કે તે વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધાને ટાળવા માટે તેના આ વર્ષે પ્રથમ, દ્વિતીય અથવા તૃતીય વર્ગ આપશે નહીં. જોકે CBSE એવા 0.1 ટકા વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ આપશે જેમણે વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે. આજે જાહેર કરાયેલા પરિણામમાં તિરુવનંતપુરમ 99.91 ટકા સાથે સૌથી વધુ જ્યારે પ્રયાગરાજ 78.05 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો પ્રદેશ છે.