આંધ્રપ્રદેશના તિરુપતિમાં બિરાજેલા ભગવાન વેંકટેશ્વર ટૂંક સમયમાં જમ્મુમાં પણ તેમના ભક્તોને દર્શન આપશે. જમ્મુ-શ્રીનગરમાં નિર્માણાધીન ભવ્ય મંદિરના દરવાજા વિધિવત પૂજા કર્યા બાદ ખોલવામાં આવશે.
મંદિરનું નિર્માણ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આશરે 62 એકર જમીનમાં બે તબક્કામાં નિર્માણ થનારા વિશાળ મંદિર પાછળ રુપિયા 33.22 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ભગવાન વેંકટેશ્વરના મુખ્ય મંદિર ઉપરાંત, સંકુલમાં શ્રી અંડલ અને શ્રી પદ્માવતીના મંદિરો પણ હશે. મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિદ્ધદાના માજીન ગામમાં નિર્માણાધીન ભવ્ય મંદિરના દરવાજા 8 જૂને ભક્તો માટે વિધિવત પૂજા કર્યા બાદ ખોલવામાં આવશે.
આંધ્રપ્રદેશથી ભવ્ય મૂર્તિ લાવવામાં આવશે
મુખ્ય મંદિરમાં સ્થાપિત થનારી ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ ખાસ આંધ્રપ્રદેશથી લાવવામાં આવી રહી છે. મંદિરના નિર્માણમાં 50 થી વધુ કારીગરો સંકળાયેલા છે. મંદિરના નિર્માણમાં જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે માત્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યો છે.
મનોજ સિન્હા મંદિરનું ઉદ્ઘાટન કરશે
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું હતું કે મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમ 4 જૂનથી શરૂ થશે. મંદિરના દ્વાર ભક્તો માટે 8મી જૂને ખોલવામાં આવશે. તિરુપતિ બાલાજી મંદિરનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્રારા કરવામાં આવશે. તિરુપતિ બાલાજી મંદિર જમ્મુ અને કાશ્મીરમાં આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પણ વિકસિત થશે.
તિરુપતિ બાલાજી મંદિર દરેક રાજ્યમાં હશે
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ જમ્મુની તેમની મુલાકાત દરમિયાન ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કરતી વખતે જાહેરાત કરી હતી કે દરેક રાજ્યમાં ભગવાન વેંકટેશ્વરના મંદિરની સ્થાપના કરવામાં આવશે. આંધ્રપ્રદેશ પછી આ મંદિર જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, દિલ્હી, કન્યાકુમારી, ચિનાની, ભુવનેશ્વરમાં બનશે અને આવા જ મંદિર મુંબઈ, રાયપુર અને અમદાવાદમાં પણ બનાવવામાં આવશે.