ટ્વિટરના માલિક બન્યા બાદથી ઈલોન મસ્ક કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે એક અહેવાલ એવા આવ્યા છે કે ઈલોન મસ્ક હવે ટ્વિટરનું CEO પદ છોડવા જઈ રહ્યા છે. આ મામલે તેમણે ખુદ તેમના ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત કરી દીધી છે. મસ્કે તેની સાથે એ પણ જણાવ્યું છે કે તેમણે ટ્વિટર માટે નવા CEO ની પસંદગી પણ કરી લીધી છે.
નવા CEOના નામની જાહેરાત ન કરી…
જોકે તેમણે નવા સીઈઓના નામનો ખુલાસો કર્યો નથી પણ તેમના ટ્વિટથી એવું લાગે છે કે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના સીઈઓ પદ માટે તેમણે કોઈ મહિલાકર્મીની પસંદગી કરી છે. ઈલોન મસ્કે ટ્વિટર પર લખ્યું હતું કે મને આ જાહેરાત કરતાં આનંદ થાય છે કે મેં ટ્વિટરના નવા સીઈઓની પસંદગી કરી લીધી છે. તે આગામી 6 અઠવાડિયામાં તેમની જવાબદારી સંભાળશે. હવે મારી ભૂમિકા ટ્વિટરના કાર્યકારી અધ્યક્ષ અને સીટીઓ તરીકેની રહેશે.
ઈલોન મસ્ક હવે શું કરશે?
ઉલ્લેખનીય છે કે એક્સ કોર્પ કંપની હેઠળ આવતી ટ્વિટરની કામગીરી ઈલોન મસ્ક જ જોતા રહેશે અને તેમણે ટ્વિટમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે. અગાઉ ઈલોન મસ્કે કહ્યું હતું કે ટ્વિટર દ્વારા નિષ્ક્રિય એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે. આ પહેલા તેમણે વૉઈસ કૉલ અને વીડિયો ચેટની સુવિધા પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી.