કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થતા દેશભરમાં કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પણ ઉજવણી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ એકબીજાને મોં મીઠું કરાવ્યુ અને ઢોલ નગારાના તાલે ઝુમ્યા હતા.
કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી
આજે કર્ણાટકમાં જીત થતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલય પર ઉજવણી કરી હતી. ઢોલ-નગારા સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જે જનાદેશ કર્ણાટકની પ્રજાએ આપ્યો તેને સહર્ષ સ્વીકારી છીએ. કર્ણાટકની જાગૃત પ્રજાનો ખૂબ ખૂબ આભાર. રાજ્યનું વરિષ્ઠ નેતૃત્વ અને પ્રજાનો ભરોસો મેળવવા કોંગ્રેસે કવાયત કરી છે.
કોંગ્રેસના ઘોષણાપત્ર પર કર્ણાટકની પ્રજાને વિશ્વાસ
સરકાર તોડીને બનાવવા વાળા લોકો કર્ણાટકની ચુંટણી જીતવા માંગતા હતા. જે મુદ્દાઓ ન હતા તે મુદ્દાઓ બનાવવામાં આવ્યા હતા. કર્ણાટકના મુદ્દાઓ પ્રજાએ સમજીને મત આપ્યો હતો.કોંગ્રેસના ઘોષણાપત્ર પર કર્ણાટકની પ્રજાને વિશ્વાસ છે. પ્રધાનમંત્રી પોતે કર્ણાટકની પ્રજાને વિશ્વાસ ન આપવી શક્યા. રાજસ્થાનમાં પણ કોંગ્રેસની સરકારે કામ કર્યું.
કોંગ્રેસને ખતમ કરવા માટે નકારાત્મકતા હતી
જ્યાં સરકાર અમારી બની ત્યાં કોંગ્રેસે કામ કર્યું છે. કોંગ્રેસને ખતમ કરવા માટે નકારાત્મકતા હતી. ખડગેજીને જાનથી મારી નાખવાની ધમકીનો મુદ્દો લોકોને સ્પર્શી ગયો હતો. પ્રધાનમંત્રીએ આત્મમંથન કરવું પડે તેવી સ્થિતિ કર્ણાટકની જનતાએ ઊભી કરી. અમે રાજસ્થાન,છત્તીસગઢમાં બોલ્યા તે કરી બતાવ્યું છે. ચૂંટણી જીતવા ભાજપ વચન આપે છે પણ કોંગ્રેસ વચન પાળે છે.