ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં ભળી ગયાં હતાં. જ્યારે ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમો પરાજય સહન કરવો પડ્યો હતો અને ભાજપે રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વધુ તૂટશે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેમની સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે.
6 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે
લોકસભાની ચૂંટણી પહેલા છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાયા બાદ ભાજપની આદિવાસી વિસ્તારમાં પકડ મજબૂત બનશે. અત્યાર સુધીમાં ધીરુભાઈ 6 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાંથી 4 વખત તેઓ વિજેતા થયા હતા. જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ હરાવ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.
2017 અને 2022માં પરાજયનો સામનો કરવો પડ્યો
ધીરુભાઈ ભીલ અત્યાર સુધીમાં 6 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.વર્ષ 1995માં ધીરુભાઈ ભીલ અપક્ષ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ તેમને 1998માં કોંગ્રેસે ટિકિટ આપી હતી, 1998માં પણ તેઓ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.ત્યાર બાદ 2002માં ફરી તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેમને હાર મળી હતી. વર્ષ 2007માં તેઓ ફરી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ બાદ 2012માં પણ તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જે બાદ ફરી 2017 અને 2022માં કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. જોકે, બંને વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.