શનિવારે હાઈલેવલ કમિટીની મીટિંગમાં પ્રવીણ સૂદના નામ પર સંમતિ બની હતી. આ કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને લોકસભાના નેતા પ્રતિપક્ષ અધીર રંજન ચૌધરી સામેલ છે.
આગામી સીબીઆઈ ચીફ માટે કમિટીની પાસે 3 નામ આવ્યા હતા. જે બાદ પ્રવીણ સૂદના નામ પર સંમતિ બની. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ સૂદના નામ પર અસંમતિ વ્યક્ત કરી હતી. જોકે, બહુમતના આધારે આગામી સીબીઆઈ ચીફ તરીકે પ્રવીણ સૂદના નામ પર મોહર લાગી.
બે વર્ષ સુધી સીબીઆઈ ચીફ રહેશે પ્રવીણ સૂદ
પ્રવીણ સૂદ 1986 બેચના કર્ણાટક કેડરના આઈપીએસ ઓફિસર છે. તેઓ સુબોધ કુમાર જયસ્વાલ બાદ દેશના સૌથી સીનિયર આઈપીએલ અધિકારી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તરફથી જારી આદેશમાં જણાવવામાં આવ્યુ છે કે પ્રવીણ સૂદ બે વર્ષ સુધી સીબીઆઈ પ્રમુખનું પદ સંભાળશે. સૂદ 2023માં રિટાયર થવાના હતા અને હવે બે વર્ષનો તેમનો કાર્યકાળ ફિક્સ થઈ ગયો છે.
પ્રવીણ સૂદે આઈઆઈટી દિલ્હી, આઈઆઈએમ બેંગલુરુ અને ન્યૂયોર્કની સિરાકસ યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. કર્ણાટકના ડીજીપી બન્યા પહેલા પ્રવીણ સૂદ બેલ્લારી અને રાયચુર જિલ્લાના એસપી રહ્યા છે. સાથે જ બેંગલુરુ સિટીના ડીસીપી અને એસીપી અને મૈસૂર સિટીના કમિશનર પણ રહી ચૂક્યા છે.
CBIનો ઈતિહાસ શું છે? સીબીઆઈ ચીફની નિમણૂક કેવી રીતે થાય છે? સીબીઆઈની પાસે કેટલો પાવર હોય છે?
શું છે ઈતિહાસ
બીજા વિશ્વ યુદ્ધ વખતે ભ્રષ્ટાચારના મામલાની તપાસ માટે 1941માં બ્રિટિશ સરકાર સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટની રચના કરવામાં આવી. 1943 માં ફરી સ્પેશ્યલ પોલીસ ફોર્સની રચના થઈ. યુદ્ધ ખતમ થયા બાદ 1946માં દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો. ત્યારે આને સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ જ કહેવામાં આવતુ હતુ. 1963માં આનું નામ સીબીઆઈ રાખવામાં આવ્યુ.
CBIનું કાર્ય શું છે?
ભ્રષ્ટાચારના કેસ ઉકેલવા
કેન્દ્રીય કર્મચારીઓના ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના મામલાનો ઉકેલ લાવવો
આર્થિક અપરાધના ગુનાનો પર્દાફાશ
બેંક છેતરપિંડી, વિદેશી મુદ્રા ઉલ્લંઘન અને તસ્કરીનો ઉકેલ લાવવો
વિશેષ ગુનાઓનો ઉકેલ
આતંકવાદ, સંવેદનાત્મક હત્યાઓ અને અન્ય અપરાધનો ઉકેલ લાવવો
CBI પાસે કેટલો પાવર હોય છે?
સીબીઆઈ કોઈ પણ પબ્લિક સર્વન્ટની ધરપકડ કરી શકે છે. જ્યારે તપાસ માટે તેની ધરપકડ કરવી જરૂરી છે અથવા જ્યારે એજન્સીને લાગે કે આરોપી ભાગી શકે છે કે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. સીબીઆઈ વોરન્ટ વિના પણ તેની ધરપકડ કરી શકે છે.
આ કેન્દ્ર હેઠળ છે, પરંતુ આ કોઈ મામલાની તપાસ ત્યારે કરે છે જ્યારે કેન્દ્ર માંથી કે હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાંથી આદેશ મળે છે. કેસ કોઈ રાજ્યનો હોય, તો તપાસ માટે ત્યાંની રાજ્ય સરકારની પરવાનગી જરૂરી હોય છે.
સીબીઆઈ ચીફની નિમણૂક કેવી રીતે થાય છે.
સીબીઆઈના પ્રમુખની નિમણૂક 3 સભ્યો વાળી એપોઈન્ટમેન્ટ કમિટી કરે છે. આ કમિટીમાં વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને લોકસભામાં વિપક્ષના નેતા હોય છે. જો લોકસભામાં વિપક્ષના કોઈ નેતા નથી તો પછી ગૃહની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા આ કમિટીનો ભાગ હોય છે.
કાર્યકાળ પર વિવાદ
સીબીઆઈ ચીફનો કાર્યકાળ બે વર્ષ માટે ફિક્સ છે. પરંતુ આને પાંચ વર્ષ માટે વધારી શકાય છે. પહેલા કાર્યકાળ બે વર્ષનો જ હતો પરંતુ 2021માં સરકારે દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કરી દીધો. આ સુધારા બાદ સીબીઆઈ ચીફનો કાર્યકાળ પાંચ વર્ષ સુધી વધારવામાં આવી શકાય છે. જોકે, બે વર્ષ તો ફિક્સ જ રહેશે. તે બાદ જો સમિતિને લાગે છે તો એક-એક વર્ષ કરીને 3 વર્ષ સુધી કાર્યકાળ વધારી શકાય છે.
2020માં ઈડીના તત્કાલીન ચીફ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ વધારાયો હતો. મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે રિટાયર થયાના પહેલા અધિકારીઓનો કાર્યકાળ માત્ર દુર્લભ અને અસાધારણ મામલામાં જ વધારવો જોઈએ અને તે પણ શોર્ટ પીરિયડ માટે. આ બાદ જ સરકાર પહેલા વટહુકમ અને પછી બિલ લઈને આવી હતી. જોકે, આની પર વિવાદ પણ થયો.
CBI ચીફનો પગાર કેટલો હોય છે?
ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે સીબીઆઈ અને ઈડી પ્રમુખના પગારને લઈને નવા આદેશ જારી કર્યા છે. જે અનુસાર સીબીઆઈ અને ઈડી પ્રમુખોને સચિવ સ્તરના આઈએએસ અધિકારીઓના બરાબર જ પગાર મળશે. સચિવ સ્તરના આઈએએસ અધિકારીઓને લેવલ 17 ની સેલેરી મળે છે. સૌથી સીનિયર આઈપીએસ અધિકારીઓને પહેલા લેવલ 16 ની સેલેરી મળતી હતી પરંતુ હવે તેમને પણ લેવલ 17 ની સેલેરી મળશે. આ લેવલે અધિકારીઓને દર મહિને 2.25 લાખ રૂપિયાનો પગાર મળે છે. આમાં હજુ ભથ્થા સામેલ નથી. ભથ્થા વગેરે સામેલ કરીએ તો આ સેલેરી ખૂબ જ વધારે થઈ જાય.