અમેરિકામાં જોબગ્રોથ આંકડા મજબૂત આવતા મોડી સાંજે વિશ્વ બજારમાં સોનામાં ગાબડુ પડતા ઘરઆંગણાના બજારોમાં સોનામાં તેજી અટકી હતી. જો કે ચાંદીમાં તોફાની તેજી આગળ વધી હતી. જ્યારે ડોલર વધ્યો હતો. બેન્ક હોલીડે નિમિત્તે ઘરઆંગણે આજે મની માર્કેટ બંધ રહી હતી.
વિશ્વ બજાર પાછળ ગુરુવારે ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી ઘરઆંગણે સોનામાં ઊંચા ભાવથી સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીમાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી.
સોનામાં ઊંચા ભાવે માગ નરમ પડવાની પણ શકયતા જોવાઈ રહી છે. દેશમાં આયાતકારો માટે ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો કરાતા સોના પરની ઈફેકટિવ ઈમ્પોર્ટ ડયૂટી ઘટાડો જોવા મળશે. વૈશ્વિક ક્રુડ તેલમાં સપ્તાહ અંતે નીચા સ્તરેથી ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.
સ્થાનિક મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગુરુવારે રૂપિયા ૬૧૬૪૬ સાથે ઓલટાઈમ હાઈ રહ્યા હતા તેમાં સપ્તાહ અંતે સાધારણ પીછેહઠ રહી હતી અને ભાવ રૂપિયા ૬૧૪૯૬ બંધ રહ્યા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૧૨૫૦ બંધ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ જે ગુરુવારે રૂપિયા ૭૬૪૬૪ બંધ રહ્યા હતા તે આજે રૂપિયા ૭૭૦૦૦ને પાર કરી રૂપિયા ૭૭૨૮૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનુ દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૩૪૦૦ જ્યારે ૯૯.૫૦ના રૂપિયા ૬૩૨૦૦ મુકાતા હતા. અમદાવાદ ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૭૭૫૦૦ રહ્યા હતા. ગુરુવારની સરખામણીએ રૂપિયા ૧૦૦૦ વધુ બોલાતા હતા. સોનું ગુરુવારની સરખામણીએ ૪૫ ડોલર જેટલુ ઘટી ઔંસ દીઠ ૨૦૦૪ ડોલર મુકાતું હતું.
જ્યારે ચાંદી ઔંસ દીઠ ૨૫.૫૪ ડોલર કવોટ કરાતી હતી. ડોલર ઈન્ડેકસ વધી ૧૦૧.૬૦ રહ્યો હતો. વિશ્વ બજારમાં ક્રુડના ભાવમાં સપ્તાહ અંતે સુધારો રહ્યો હતો. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૭૦.૫૦ ડોલર જ્યારે આઈસીઈ ેબ્રેન્ટ ક્રુડ ઓઈલ ૭૪.૪૦ ડોલર મુકાતું હતું.