માર્ચમાં ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ એપ્રિલમાં ઈ-વે બિલ જારી કરવાની માત્રામાં ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચમાં ૯.૦૯ કરોડની સામે એપ્રિલમાં ઈ-વે બિલની સંખ્યા ઘટી ૮.૪૪ કરોડ રહ્યાનું ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ નેટવર્ક (જીએસટીએન)ના ડેટા જણાવે છે.
જો કે ૨૦૨૨ના એપ્રિલમાં ૭.૫૨ કરોડની સરખામણીએ વર્તમાન વર્ષના એપ્રિલના ઈ-વે બિલની સંખ્યા ઘણી વધુ છે. વર્તમાન વર્ષના એપ્રિલમાં જીએસટીની વસૂલીનો આંક રૂપિયા ૧.૮૭ લાખ કરોડ સાથે વિક્રમી રહ્યો હતો. ગયા વર્ષના એપ્રિલમાં આ આંક રૂપિયા ૧.૬૮ લાખ કરોડ રહ્યો હતો.એપ્રિલમાં વસૂલાયેલા ટેકસ માર્ચમાં માલસામાનની હેરફેર તથા પૂરી પડાયેલી સેવા પેટેના હોય છે.
રૂપિયા ૫૦,૦૦૦ કે તેથી વધુની કિંમતના માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ કઢાવવાનું રહે છે.
માર્ચ જે તે નાણાં વર્ષનો અંતિમ મહિનો રહેતો હોવાથી આ મહિનામાં સામાન્ય રીતે ઈ-વે બિલની સંખ્યા વધુ રહેતી હોય છે, કારણ કે કંપનીઓ નવા નાણાં વર્ષના પ્રારંભ પહેલા જુનો સ્ટોકસ ખાલી કરી નાખવા માગતી હોય છે.
ઈ-વે બિલમાં ઘટાડાનો અર્થ જીએસટી મારફતની આવકમાં ઘટાડો જોવા મળશે એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું.