સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – SEBI એ ટાટા પ્લેના પ્રસ્તાવિત પબ્લિક ઈસ્યુને મંજૂરી આપી દીધી છે. ટાટા ગ્રૂપની કંપની ભારતની પ્રથમ કંપની છે જેણે પ્રારંભિક જાહેર ઓફર માટે માર્કેટ રેગ્યુલેટર પાસે ગોપનીય રીતે કાગળો ફાઇલ કર્યા છે. સેબીએ 26 એપ્રિલે કંપનીના પ્રી-ફાઈલ ઓફર ડોક્યુમેન્ટ પર તેનું અવલોકન પત્ર જારી કર્યું હતું. ટાટા પ્લે 18 વર્ષ પછી IPO લોન્ચ કરી શકે છે.બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની, જે ટાટા સન્સ અને ધ વોલ્ટ ડિઝની કંપની વચ્ચેનું સંયુક્ત સાહસ છે તે IPO દ્વારા આશરે રૂ. 3,000 કરોડ એકત્ર કરવા માંગે છે. તેમાં ફ્રેશ અને સેકન્ડરી શેર વેચાણનું મિશ્રણ હોઈ શકે છે.
ટાટા મોટર્સની પેટાકંપની ટાટા ટેક્નોલોજિસે પણ માર્ચમાં તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો હતો. કંપનીને માર્કેટ રેગ્યુલેટર તરફથી ટૂંક સમયમાં જ આગળ વધવાની અપેક્ષા છે. ટાટા ટેક્નોલોજીસનો IPO આશરે રૂ. 4,000 કરોડ રહેવાની ધારણા છે. અવલોકન પત્ર જારી કર્યા બાદ ટાટા પ્લેએ હવે આઈપીઓ લોન્ચ કરતા પહેલા અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP-1) ફાઇલ કરવો પડશે.અપડેટેડ ડીઆરએચપીમાં સેબી દ્વારા જારી કરાયેલા અવલોકનો સામેલ કરવાના રહેશે અને તે લોકો માટે ઉપલબ્ધ હશે.
ગોપનીય ફાઈલિંગ અથવા પ્રી-ફાઈલિંગ રૂટ શું છે ?
કહેવાતા ગોપનીય ફાઈલિંગ અથવા પ્રી-ફાઈલિંગ રૂટ હેઠળ અનલિસ્ટેડ કંપની જ્યાં સુધી તેનો IPO પ્લાન તૈયાર ન કરે ત્યાં સુધી તેના ઑફર દસ્તાવેજને ખાનગી રાખવાની છૂટ છે.ધોરણો અનુસાર, કંપનીએ નિયમનકારી મંજૂરીના 16 મહિનાની અંદર અપડેટેડ DRHP ફાઇલ કરવાનું રહેશે, જેની માન્યતા 18 મહિનાની છે.